Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નગરપાલિકા (Palanpur Municipality) વોર્ડ 4 અને ડીસાના (Deesa) વોર્ડ 9માં યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયુ છે. પાલનપુર નગરપાલિકા વોર્ડ 4ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વોર્ડ નં-4ની બેઠક કોંગ્રેસે (Congress) જીતી છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મહમદઅલી મન્સુરીની 48 મતથી જીત થઇ છે.
બીજી તરફ બનાસકાંઠાના ડીસાના વોર્ડ 9ની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીની જીત થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર 902 મતથી વિજેતા બન્યા છે. મહત્વનું છે કે આ બેઠક પર ભાજપને 1122, કોંગ્રેસને 2024,આપને 431 મત મળ્યા છે.
દરમિયાન મહેસાણા જિલ્લાની ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર-૨ની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ઊંઝા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સંદીપ પટેલનો વિજય થયો છે. પેટા ચૂંટણીમાં કુલ ૩,૨૩૮ મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપમાં અને અપક્ષના ઉમેદવારોએ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતુ.
ઊંઝા નગરપાલિકા વોર્ડ નંબર-૨ ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે નહીં પણ ભાજપ અપક્ષ વચ્ચે લડાઈ હતી. જુલાઇ મહિનામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પછી ૨૪ જુલાઇએ ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. ૨૫ જુલાઇ સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી. તો ૬ ઓગસ્ટના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૮ ઓગસ્ટ ૨૦૨૩ એટલે કે આજે તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.