પાલનપુરમાં બાયપાસ રોડના મુદ્દે હોબાળો, રોષે ભરાયેલા ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ કર્યો

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એરોમા સર્કલ ખાતે નેશનલ હાઈવે ઉપર સર્જાતી વર્ષોની ટ્રાફિક સમસ્યાના પ્રાણ પ્રશ્ર્નના ઉકેલ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. હવે આ રોડ બનાવવા માટે સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ અને એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને જમીન સંપાદનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી આ બાયપાસ રોડ માટે જમીન સંપાદનને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડ માટે જો ૭૦થી ૧૦૦ મીટર જમીન સંપાદન થશે તો કેટલાક ખેડૂતો પાસે ખૂબ જ ઓછી જમીન બચશે. તો કેટલાક ખેડૂતોની સંપૂર્ણ જમીન બાયપાસ રોડમાં જતી રહેતા તે ખેડૂતો જમીન વિહોણા બનશે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે સરકાર ૭૦ થી ૧૦૦ મીટર જેટલી જમીન સંપાદન કરી બાયપાસ રોડ બનાવવાની કાર્યવાહી કરી રહી છે તેની સામે અમે ૩૦ મીટર જમીન આપવા તૈયાર છીએ. ખેડૂતો કહી રહ્યા છે કે બાયપાસ રોડ માટે માત્ર ૩૦ મીટર જમીનની જ જરૂર છે તો આટલી બધી જમીન સંપાદન કેમ કરાઈ રહી છે તેવા સવાલો ખેડૂતો ઉઠાવી રહ્યા છે.

ખેડૂતોએ વિરોધ કર્યો: ખોડલા ગામના ખેડૂતો એકત્ર થઈ જમીન સંપાદન થવાના સ્થળ પર પહોંચ્યા હતા. અને ગેટ બંધ કરીને તંત્રની સંપાદનની કામગીરીને અટકાવી હતી. જોકે કલાકો સુધી ખેડૂતોના વિરોધ બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા મામલતદારને જાણ કરાઈ હતી. ત્યારે પાલનપુર મામલતદાર સ્થળ પર પહોંચી ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી હતી. પરંતુ ખેડૂતો પોતાની વાત પર મક્કમ રહ્યા હતા. ખેડૂતો એ મામલતદારને જણાવ્યું કે અમારી પાસે અન્ય કોઈ વ્યવસાય નથી. વર્ષોથી ખેતી જ કરી રહ્યા છીએ. અને અમારા બાળકો પણ ખેતીનો જ વ્યવસાય કરી રહ્યા છે. અમે પશુપાલન અને ખેતી પર જ અમારા પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છીએ. અમને બાયપાસ રોડનો કોઈ જ વિરોધ નથી. પરંતુ ૩૦ મીટર જ જમીન સંપાદન થાય તેવી અમારી માંગ છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે ૩૦ મીટરથી વધુ જમીન સંપાદન થશે તો અમે અમારો જીવ આપી દઈશું. પરંતુ એક ઇંચ વધુ જમીન અમે નહીં આપીએ.

ખેડૂતોના વિરુદ્ધ વિરોધને લઈને સ્થળ પર પહોંચેલા પાલનપુર મામલતદારે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ચર્ચા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર દ્વારા બાયપાસ મંજૂર કરાયો છે. આજે અહીંયા જમીન સંપાદનના વિરોધને લઈ ખેડૂતો એકત્ર થયા છે, અમે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમામ વહીવટી કામગીરીથી તેમને વાકેફ કર્યા છે, અને ખેડૂતોની વાત પણ સાંભળી છે. તેઓનું કહેવું છે કે રોડની પહોળાઈ ઓછી કરવામાં આવે જેથી એમની જમીન ઓછી કપાય. બીજો એમનો પ્રશ્ર્ન છે કે વળતર તે માટે પણ ચર્ચા થઈ છે સાથે જ ખેડૂતોએ આજે અમને તેમની માંગોને લઈ રજૂઆતો કરી છે તે અમે આગળ રજૂ કરશું.

મહત્વનુ છે અમદાવાદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર એરોમાં સર્કલ ખાતેની ટ્રાફિક સમસ્યા નિવારવા કરોડો રૂપિયાનો બાયપાસ રોડ મંજુર તો કરાયો પરંતુ હવે ખેડૂતોની જમીન સંપાદનની સમસ્યાઓનો હવે સામનો કરવાનો વારો તંત્રને આવ્યો છે અને બીજીતરફ વિકાસના કામે હવે ખેડૂતોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે ત્યારે આગામી સમયમાં આમાં શુ ઉકેલ આવે છે.