પક્ષપલટા વિરોધી કાયદો કેમ નિષ્ફળ રહ્યો?

લોક્સભા ચૂંટણીઓની જાહેરાત પહેલાં જ શરૂ થયેલો પક્ષપલટાનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે. તેનાથી અનેક જગ્યાએ મતદારો ભ્રમિત થશે કે ચહેરો કોનો છે અને ચૂંટણી ચિહ્ન કયું છે? પક્ષપલટો માત્ર ચૂંટણીના સમયે જ નહીં, પરંતુ ચૂંટણી બાદ પણ થાય છે. વિધાયી સંસ્થાઓને તેનાથી બચાવવા માટે પક્ષપલટા વિરોધી કાયદો લાવવામાં આવ્યો, પરંતુ તેનાથી પણ પરિણામ ન મળ્યું. આખરે પક્ષપલટા વિરોધી કાયદો કેમ નિષ્ફળ રહ્યો? પહેલાં તો આ કાયદો મૂળથી જ અસંગત છે. યુરોપ, અમેરિકા કે અન્ય કોઈ પ્રતિષ્ઠિત લોક્તંત્રમાં એવો કાયદો નથી. ન્યૂઝીલેન્ડમાં બન્યો હતો, પરંતુ ત્યાં પણ તેને જલ્દી હટાવી દેવામાં આવ્યો. પછી પોલેન્ડ, ચેક, એસ્ટોનિયા, લિથુઆનિયા અને લાત્વિયાના અધ્યાયયની જોવા મળ્યું કે સાંસદોને પક્ષપલટાનો અધિકાર હોવાથી વાસ્તવમાં ત્યાં પક્ષીય વ્યવસ્થા બહેતર અને સ્થિર થઈ છે. દિક્ષણ આફ્રિકાનો અનુભવ એવો જ છે. બધી જગ્યાએ જોવા મળ્યું કે સાંસદોની સ્વતંત્રતા રહેવાથી પક્ષોમાં પોતાની નીતિઓ-ગતિવિધિઓને સુવિચારિત રાખવાની પ્રવૃત્તિ રહે છે.

જે કોઈ દેશોમાં પક્ષપલટા વિરોધી કાયદા છે, ત્યાં કોઈ ખાસ ઉપલબ્ધિ નથી હાંસલ થઈ. ભારતનો જ અનુભવ છે કે તેનાથી માત્ર સત્તાધારી પક્ષના મેનેજરોની તાકાત વધે છે. તેઓ સાંસદો, ધારાસભ્યો પર પૂર્ણ નિયંત્રણ રાખે છે, જેનાથી પક્ષોની મહત્તા જનપ્રતિનિધિઓથી પણ ઉપર થઈ જાય છે. સત્તાધારી પક્ષોના શીર્ષ પર વિરાજમાન કેટલાક ચુનંદા લોકો જનપ્રતિનિધિઓ પર પોતાની ઇચ્છા થોપીને મનમાફક ફેંસલા કરે છે. પક્ષપલટા વિરોધી કાયદો બંધારણની ભાવનાથી પણ વિરુદ્ઘ છે. મૂળ તો એટલે જ યુરોપીય દેશોમાં સાંસદોને વૈચારિક કે કાર્યગત સ્વતંત્રતા છે. એમના પર પક્ષીય અંકુશ નથી, કારણ કે સંસદ સર્વોચ્ચ કાયદા નિર્માણ કરતી સંસ્થા છે. જો તેના સદસ્યના હાથ-મોં બંધાયેલા હોય, ત્યારે સંસદમાં તેઓ રાજકીય પક્ષના પ્રબંધકોની કૃપાના મોહતાજ રહેશે. એ પણ કોઈથી છૂપું નથી કે પક્ષીય સૂત્રધારોની તિકડમોથી જ અનેક સાંસદ અને ધારાસભ્યો એક યા બીજી પાર્ટીમાં આવે-જાય છે. મોટાભાગે તેમાં ખરીદ-વેચાણના આરોપ લાગે છે.ધારાસભ્યોને બસોમાં ભરીને બંદીની જેમ લઈ જવાનાં દૃશ્યો હવે સામાન્ય થઈ ગયાં છે. પક્ષપલટા વિરોધી કાયદો નિષ્ફળ જ નહીં, બલ્કે એનાથી નેતાઓનું ચરિત્ર પતનની પ્રવૃત્તિ જ વધી છે. સાંસદો, ધારાસભ્યોની પક્ષીય સ્વતંત્રતા રહેતાં સંયમ, મર્યાદા અને નૈતિક્તાનું મહત્ત્વ વધારે હોત. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરેનો એ જ અનુભવ છે. આખરે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, જાપાન જેવા લોક્તાંત્રિક દેશોમાં એવો કાયદો નહિ હોવાથી ત્યાં કોઈ ભાગદોડ નથી મચતી. અમેરિકી સંસદમાં સત્તાધારી પક્ષની સદસ્ય સંખ્યા વિપક્ષથી બે-ત્રણ ઓછી હોય તો પણ પક્ષપલટો કરાવીને સત્તારૂઢની સ્થિતિ ફેરવી નાખવાની ઘટનાઓ નથી બનતી.

પક્ષપલટા વિરોધી કાયદો સિદ્ઘાંતહીન પણ છે. આખરે જ્યારે કોઈ પક્ષના બે તૃતિયાંશ સાંસદ/ધારાસભ્યોનું બીજી પાર્ટીમાં જવું યોગ્ય છે, તો બે-ચાર સાંસદ/ધારાસભ્યોનું જવું અયોગ્ય કેવી રીતે? એટલે જ જથ્થાબંધ પક્ષપલટા બાદ ‘અસલી’ પાર્ટી અને ચૂંટણી ચિહ્નના દાવા પર ન્યાયાલયોના ચુકાદાઓમાં પણ વિસંગતિ રહે છે. ક્યારેક તેઓ ધારાસભ્યની સંખ્યાને આધાર ગણાવે છે તો ક્યારેક સંગઠનની વાત કરે છે. જ્યારે પાર્ટીના ધારાસભ્યો કે સાંસદોમાં ફાડિયાં મામલે અસલી-નકલીની વાત જ નકામી છે. બંધારણ અનુસાર સંખ્યાનો મુદ્દો વિધાયી સદનનો છે. સરકાર બનાવવા, કોઈ કાયદો કે પ્રસ્તાવ પાસ કરવામાં સદનમાં મત સંખ્યાનું સ્થાન છે. કોઈ રાજકીય પક્ષની કાયદેસરતા તેના સાંસદ/ધારાસભ્યની સંખ્યાથી નક્કી કરવી અસંગત છે. તેથી ન્યાયલય અને ચૂંટણી પંચના નિર્ણય અંતવરોધી થતા રહે છે. આ સ્થિતિ પુનર્વિચાર ની માંગ કરે છે. પક્ષપલટાને કાયદા દ્વારા રોકવું અસંભવ જેવું છે. કાયદો બનાવીને ક્યારેય પણ ચરિત્ર કે નૈતિક્તા સુનિશ્ચિત ન કરી શકાય. જ્યારે નૈતિક્તા અને ચરિત્ર હોય, ત્યારે જ સારો કાયદો બને છે. આ કોરી કલ્પના છે કે કઠોર કાયદા બનાવવાથી પક્ષપલટો અટકશે, કારણ કે ખુદ કાયદો બનાવનારા જ પક્ષપલટો કરે-કરાવે છે. રોગનું મૂળ ક્યાંક બીજે છે. રાજકીય પક્ષ કોઈ રાજકીય સંસ્થા નથી. તે અન્ય સામાજિક વેપારી સંસ્થાઓની જેમ સ્વૈચ્છિક સંસ્થા છે. તેની સાથે રાજ્ય અને બંધારણને કોઈ લેવાદેવા નથી. તેથી પક્ષોને વિશેષ મહત્ત્વ ન આપીને અન્ય સંસ્થાઓની જેમ સામાન્ય અને જવાબદાર બનાવવામાં આવે. ગરબડ એ થઈ કે સમય સાથે આપણા રાજકીય પક્ષો અયોગ્ય મહત્ત્વ મેળવીને રાજકીય ઉપકરણ બની ગયા છે, જ્યારે બંધારણે રાજકીય પક્ષોની નોંધ સુદ્ઘાં નહોતી લીધી. જેમ કોઈ એક કંપની છોડીને બીજી કંપનીમાં કામ કરવા માટે સ્વતંત્ર છે, એ જ સ્થિતિ પક્ષો અને તેમના સદસ્યોની પણ હોવી જોઇએ.