પક્ષના નબળા સમયમાં પક્ષ છોડું તો મારી જનેતાનું ધાવણ લાજે,કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયા

અમદાવાદ, ભાજપે જે રીતે લોક્સભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પર કાતર ફેરવવાની શરૂઆત કરી છે, તે જોતા અનેક નેતાઓના નામ ચર્ચામાં આવ્યા છે. ર્જુન મોઢવાડિયાની સાથે લગભગ અડધોઅડધ ટીમ ભાજપમાં પ્રવેશ કરશે એવો દાવો કરાઈ રહ્યો છે. રાજકીય સૂત્રો કહે છે કે, કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં જઈ શકે છે તેમાં અર્જુન મોઢવાડિયા, બાબુ બેજા, લલિત વસોયા, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, બળદેવજી ઠાકોર, રઘુ દેસાઈની સાથે અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલનું પણ નામ સામેલ છે. ત્યારે પક્ષ છોડવાની અટકળ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાએ મોટી સ્પષ્ટતા કરી છે.

ચર્ચા છે કે, ભાજપ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા રાજકીય ભૂકંપની તૈયારી કરી રહ્યું છે. પક્ષપલટાના સમાચારો વહેતા થયા બાદ કોંગ્રેસ નેતા લલિત વસોયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું કોંગ્રેસ છોડું તો મારી જનેતાનું ધાવણ લાજે. કોંગ્રેસ પાર્ટીનું મારા પર ૠણ રહ્યું છે. મારા દાદાએ કોઈનું ૠણ નહીં રાખવું એવી શીખ આપી હતી. પક્ષનું ૠણ અદા કરવા માટે જ મેં જિલ્લા કોંગ્રેસની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસે મને ૨૦૧૭, ૨૦૨૨ વિધાનસભા અને ૨૦૧૯ લોક્સભાની ટીકીટ આપી છે. મને રાજકોટ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો. કોંગ્રેસના નબળા સમયમાં હું પક્ષની સાથે ઉભો રહીશ. કોંગ્રેસના નબળા સમયમાં પક્ષ છોડું તો મારી જનેતાનું ધાવણ લાજે.

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી, જેમને જવું છે એ જશે. ભાજપ દ્વારા ડરાવી ધમકાવી દબાણ કરવામાં આવે છે. ધારાસભ્યો ભાજપમાં જશે એવી ખોટી રીતે વાતો ફેલાવવામાં આવે છે. દબાણ બધા પર થાય છે, નબળા દિલના લોકો જતા રહે છે. જીવનમાં દબાણ થતું રહેશે, સમય ઉપર નીચે થતો રહે છે. કોઇ પક્ષ કાયમી શાસનમાં રહેતો નથી. લોક્સભા ચૂંટણી જુનાગઢથી લડવા ગયા વખતે પણ મને ટિકિટ મળતી પણ પક્ષ નક્કી કરશે, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરું છું.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોના ઉપરાઉપરી પડી રહેલા રાજીનામા પર કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું કે, ભાજપ જે કરે છે તે રાજનીતી અને લોક્તંત્ર માટે નુકશાનકારક છે. ભાજપની ખરીદપરોકની રાજનીતિથી લોક્તંત્રને નુક્સાન થઈ રહ્યું છે. ભાજપનું દબાવ તંત્ર કહેવાય. કોંગ્રેસ વિચારધારની સમપત છે તેના આધારે અમે લડતા રહીશું. નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશુ અને રસ્તો કાઢીશું.