ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશભરમાં ઉજવણી પણ કરવામાં આવી રહી છે. આર્થિક સંકટ અને દુ:ખમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ચૂંટણીની ઉજવણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો કોન્ડોમનો ઉપયોગ ફુગ્ગા તરીકે કરતા જોવા મળે છે. પાકિસ્તાનની ચૂંટણીની ઉજવણીનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણી મજાક ઉડી રહી છે. યૂઝર્સ આ વીડિયોને મોટા પ્રમાણમાં શેર પણ કરી રહ્યા છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ૩૩૬ સીટો છે. જેમાં ૨૬૫ બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. નેશનલ એસેમ્બલી માટે ૭૦ સીટો આરક્ષિત છે. આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૨૬૪ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જ્યારે એક બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. બહુમત માટે ૧૩૪ સાંસદોનું સમર્થન જરૂરી છે. નવાઝ શરીફના નેતૃત્વવાળી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ, બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ વચ્ચે ચૂંટણી લડાઈ હતી. જો કે, ઈમરાન ખાન જેલમાં હતા અને તેમની પાર્ટી પર પ્રતિબંધ મુકાયા બાદ પીટીઆઈના સમર્થનથી અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અથવા પીટીઆઈના સમર્થનમાં આવેલા અપક્ષોએ લગભગ ૯૨ બેઠકો જીતી છે. નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગે ૭૩ બેઠકો જીતી છે જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ૫૪ બેઠકો મળી છે. જ્યારે અન્ય નાના પક્ષો અથવા અપક્ષ ઉમેદવારોએ ૩૬ બેઠકો જીતી છે. કોઈ પક્ષને જનાદેશ મળ્યો નથી. જો કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નવાઝ શરીફે રાષ્ટ્રને સંબોધિત કરીને પોતાની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી તરીકે જીતી છે.