પાક વિદેશી ૠણ પર નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર બને: પાક આર્મી ચીફ

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના આર્મી ચીફ સૈયદ અસીમ મુનીરે કહ્યું કે દેશે વિદેશી લોન પર નિર્ભરતા ઘટાડવી જોઈએ. દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્તા તેમણે કહ્યું કે પાકિસ્તાન એક ગૌરવપૂર્ણ, ઉત્સાહી અને પ્રતિભાશાળી રાષ્ટ્ર છે. તમામ દેશવાસીઓએ ભીખ માંગવાની વાટકી ફેંકી દેવી જોઈએ. જિયો ન્યૂઝને ટાંકીને આ જાણકારી આપી છે.

ખાનવાલ મોડલ એગ્રીકલ્ચર ફાર્મના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાન પાસે તમામ મૂળભૂત સુવિધાઓ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે સુરક્ષા અને અર્થવ્યવસ્થા એકબીજા સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન વર્તમાન સંકટમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી સેના આરામ કરશે નહીં.

જાણીતું છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હાલમાં જ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી રાહત મળી છે. પાકિસ્તાનને ચીન પાસેથી બીજી લોન મળવાની આશા છે. વડા પ્રધાન શેહબાઝ શરીફે તાજેતરમાં જણાવ્યું હતું કે આઇએમએફ સોદાના આધારે દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને વધારવામાં મદદ કરવા માટે પાકિસ્તાનને સાથી ચીન પાસેથી વધારાની યુએસડી ૬૦૦ મિલિયનની લોન મળી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર હાલમાં ખાડે ગયું છે અને તેણે રીતસરની તેની બધી એસેટ્સ ગીરવે મૂકવી પડી રહી છે. પાકિસ્તાની રૂપિયો એક ડોલર સામે ૩૦૦ રૂપિયાને સ્પર્શવાની તૈયારીમાં છે. વર્લ્ડ બેક્ધ માંડ-માંડ લોન આપી રહ્યુ છે. દેશમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. લોકો ત્રાહિમાન થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ દિનપ્રતિદિન મોંઘી થઈ રહી છે. ફુગાવો માઝા મૂકી રહ્યો છે. સામાન્ય જનતા મોંઘવારીના ખપ્પરમાં પીસાઈ રહી છે. વિશ્ર્વસ્તરે પાકિસ્તાન હાંસીપાત્ર બન્યું છે. તેના કોઈપણ દેશ જોડે સારા સંબંધ નથી. હાલમાં તો પાકિસ્તાન સાઉદી અરેબિયા અને ચીનની ખેરાત તથા સખાવત પર દહાડા કાઢી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ રશિયાએ અનાજની ડીલ રદ કરતાં આગામી સમયમાં પાકિસ્તાને ભૂખમરો વેઠવો પડે તેવી સ્થિતિ છે.