- પાકિસ્તાનમાં આજે ૨ કરોડ ૬૨ લાખ બાળકો શાળાએ જતા નથી.
પાકિસ્તાનના સંસદ સભ્ય મુસ્તફા કમાલે, નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનની શિક્ષણ પ્રણાલીની આકરી ટિકા કરીને ભારતના મ્હોફાટ વખાણ કર્યા હતા. પાકિસ્તાનના સાંસદ મુસ્તફા કમાલનું કહેવું છે કે પાકિસ્તાનમાં આજે 2 કરોડ 62 લાખ બાળકો શાળાએ જતા નથી. આપણે એવી પધ્ધતિનો વિકાસ કરવો જોઈએ કે, આ બાળકો ઓછામાં ઓછુ પ્રાથમિક શિક્ષણ તો મેળવે. આપણી યુનિવર્સિટી માત્ર બેરોજગારોને બહાર પાડવાની ફેકટરી બની ગઈ છે. વિશ્વના કેટલાક દેશની કુલ વસ્તીથી પણ વધુ સંખ્યામાં બાળકો પાકિસ્તાનમાં પ્રાથમિક શિક્ષણ લેતા નથી, જે આપણા માટે શરમજનક કહેવાય.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ગઈકાલે સંસદસભ્ય મુસ્તફા કમાલે, શિક્ષણને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક રાષ્ટ્રની કુલ વસતી બે કરોડ જેટલી છે. આવા રાષ્ટ્રની કુલ વસ્તીથી પણ વધુ સંખ્યામાં બાળકો પાકિસ્તાનમાં શિક્ષણ લેતા નથી. માધ્યમિક કે ઉચ્ચમાધ્યમિક તો છોડો, પરંતુ પ્રાથમિક શિક્ષણ પણ લેતા નથી.
મુસ્તફા કમાલે ભારતની શિક્ષણ પ્રથાના વખાણ કરતા કહ્યું કે, આપણા પડોશી દેશ એવા હિન્દુસ્તાને જુઓ. ત્યા 25-30 વર્ષ પહેલા વિશ્વની જરૂરીયાત મુજબની શિક્ષણ વ્યવસ્થા ગોઠવી. જેના કારણે આજે દુનિયાભરની ટોચની ગણાતી કંપનીઓમાં ભારતીયો CEO છે. જ્યારે પાકિસ્તાનમાં યુનિવર્સિટી માત્ર બેરોજગારોને બહાર પાડવાની ફેટકરી બની ગઈ છે.
પાકિસ્તાનની ખરાબ હાલતથી દરેક વ્યક્તિ વાકેફ છે. સ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે આથક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારે હવે પોતાની તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ પીઓકેના લોકો પણ સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના એક સાંસદે પોતાના દેશને અરીસો બતાવવાનું કામ કર્યું છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના સભ્ય સૈયદ મુસ્તફા કમાલે ભારતના ચંદ્રયાન મિશનનો ઉલ્લેખ કરતા ભારતની સિદ્ધીઓ અને પાકિસ્તાનના શહેરો અને કરાચીની ખરાબ સ્થિતિ વચ્ચે સરખામણી કરી છે.
મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનના નેતા સૈયદે નેશનલ એસેમ્બલીમાં એક ભાષણમાં કહ્યું કે જ્યારે ભારત ચંદ્ર પર ઉતરી રહ્યું છે, ત્યારે કરાચી ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકોના મૃત્યુના સમાચાર બનાવી રહ્યું છે. વિધાનસભામાં ભાષણ આપતાં પાક સાંસદે વધુમાં કહ્યું કે, આજે કરાચીની સ્થિતિ એવી છે કે જ્યારે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે ત્યારે કરાચીમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે. એ જ સ્ક્રીન પર સમાચાર આવી રહ્યા છે કે ભારત ચંદ્ર પર ઉતર્યું છે અને માત્ર બે સેકન્ડ પછી સમાચાર છે કે કરાચીમાં એક ખુલ્લી ગટરમાં એક બાળકનું મૃત્યુ થયું.
સાંસદ સૈયદ મુસ્તફાએ કરાચીમાં ચોખ્ખાં પીવાના પાણીની અછતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કરાચીમાં ૭૦ લાખ બાળકો અને પાકિસ્તાનમાં ૨૬ મિલિયનથી વધુ બાળકો એવા છે જેઓ શાળાએ જઈ શક્તા નથી. સૈયદે કહ્યું કે, જો કે કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે, પરંતુ હવે ત્યાં પીવા માટે ચોખ્ખું પાણી પણ નથી.