
ટી ૨૦ વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે પણ હજી પાકિસ્તાનની ટીમની મેચ ૬ જૂનથી શરૂ થવાની છે. ત્યારે પાકિસ્તાનની ટીમ હવે ટી ૨૦ વર્લ્ડ કપ વચ્ચે વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાકિસ્તાનની ટીમ દ્વારા એક ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડિનર દરમિયાન ચાહકોને ખેલાડીઓને મળવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. જોકે મહત્વનું છે કે આ ડિનરમાં કોઈ એન્ટ્રી ફી નહોતી. પરંતુ મળતી માહિતી અનુસાર, આ ટીમના ખેલાડીઓને મળવા માટે ચાહકો પાસેથી ૨૫ યુએસ ડોલર એટલે કે ૨૦૮૬ રૂપિયા લેવામાં આવ્યા હતા.
પાકિસ્તાનની ટીમનું આ કૃત્ય જોઈને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પણ નારાજ જોવા મળી રહ્યા છે. અને પાકિસ્તાની ટીમના આ કૃત્યને શરમજનક ગણાવી રહ્યા છે. પાકિસ્તાની ટીમના આ પ્રાઈવેટ ડિનર પર પ્રશ્ર્નો ઉઠાવનારા ભૂતપૂર્વ મહાન ખેલાડીઓમાં રાશિદ લતીફ પણ નારાજ જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વલણ પર નારાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે સવાલ કરી રહ્યા છે કે આ પ્રાઈવેટ ડિનરનું આયોજન કોનો આઈડિયા હતો? અને, જો તે થયું હોય, તો શા માટે ચાહકોને પ્રવેશ માટે ૨૫ યુએસ ડોલર ચૂકવવાનું કહેવામાં આવ્યું? આનો અર્થ એ થયો કે અમારા ખેલાડીઓને મળવાનો ખર્ચ માત્ર ૨૫ યુએસ ડોલર છે.
રાશિત લતીફનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે, ટીમ માટે ઓફિશિયલ અથવા ચેરિટી ડિનરના નામે ચાહકો પાસેથી પ્રવેશ માટે પૈસા લેવામાં આવે તે ખૂબ જ શરમજનક વાત માની શકાય છે. આનાથી એવો સંદેશ પણ જાય છે કે ખેલાડીઓ તે પૈસા કમાઈ રહ્યા છે. રાશિદ લતીફે વધુમાં કહ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન ક્રિકેટના નામે આવું કરવું યોગ્ય નથી. આ એક મોટી ભૂલ છે, જેના કારણે માનહાનિ થઈ શકે છે.