પાકિસ્તાનની ટીમમાં વિભાજન? ખેલાડીઓ બાબર આઝમની વાત નથી સાંભળતા, મેચમાં કેપ્ટનનું અપમાન!

નવીદિલ્હી, ટી ૨૦ વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન પોતાના દેશમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે પાંચ મેચોની સીરિઝ રમી રહ્યું છે. પરંતુ હવે આ શ્રેણી ધીમે-ધીમે ટીમ માટે સમસ્યા બની રહી છે. ન્યુઝીલેન્ડે આ પ્રવાસ પર પોતાની સેકન્ડ ક્લાસ ટીમ મોકલી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ પોતાના મુખ્ય ખેલાડીઓ સાથે આવી છે. આમ છતાં પાકિસ્તાન સતત ૨ મેચ હારી ગયું છે અને હવે બાબર આઝમની ટીમ પર સિરીઝ હારવાનો ખતરો છે. સિરીઝમાં ૨-૧થી પાછળ રહ્યા બાદ બાબર આઝમ સહિત સમગ્ર ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન, ટીમમાં વિભાજનના સમાચારે વધુ મુશ્કેલી ઉભી કરી છે.

પાકિસ્તાનની ટીમ ૨૦૨૩ના વર્લ્ડ કપમાંથી ખરાબ રીતે બહાર થઈ ગઈ હતી. હવે જ્યારે પાકિસ્તાને ૨૦૨૪ના ટી ૨૦ વર્લ્ડ કપમાં પુનરાગમન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે ટીમમાં વિભાજનના સમાચારે ફરીથી પાકિસ્તાનની ટીમનું ટેન્શન વધાર્યું છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની ખેલાડીઓ કેપ્ટન બાબર આઝમની વાત સાંભળી રહ્યા નથી. તેઓ મેદાનમાં તેનું અપમાન કરી રહ્યા છે.

બાસિત અલીએ પાકિસ્તાની સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સારાહ બલોચ સાથે યુટ્યુબ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે જ્યારે બાબર આઝમે ચોથી ટી ૨૦ દરમિયાન એક ફિલ્ડરને બીજી જગ્યાએ જવા માટે કહ્યું તો તેણે ના પાડી દીધી અને કહ્યું કે જાતે જાઓ. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બાબરના ચાહકો ગુસ્સે છે અને તે ખેલાડીનું નામ જાણવા ઉત્સુક છે. જો આ દાવો સાચો સાબિત થાય છે તો ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા જ પાકિસ્તાની ટીમની આર્મી કેમ્પમાં ટ્રેનિંગ બેકાર થઈ શકે છે અને સ્થિતિ ફરી એકવાર ૨૦૨૩ વર્લ્ડ કપ જેવી થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન પ્રવાસે પહોંચેલી ન્યુઝીલેન્ડ ટીમના મોટાભાગના મુખ્ય ખેલાડીઓ ટીમનો ભાગ નથી. કારણ કે કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ અને અન્ય ઘણા ખેલાડીઓ ભારતમાં આઇપીએલ રમી રહ્યા છે. તેઓએ આ પ્રવાસ માટે નવા ખેલાડીઓ મોકલ્યા છે. મોહમ્મદ આમિર, ઈમાદ વસીમ અને બાબર આઝમ જેવા ખેલાડીઓ ધરાવતી પાકિસ્તાન ટીમને તેમણે ૨ મેચમાં હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાન અત્યાર સુધી માત્ર ૧ મેચ જીતવામાં સફળ રહ્યું છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. હવે જો ન્યુઝીલેન્ડ આગામી મેચ જીતશે તો તે શ્રેણી પર કબજો કરી લેશે. અગાઉ ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને ઘરઆંગણે હરાવ્યું હતું.