ઇસ્લામાબાદ, પાકિસ્તાનના લશ્કરી વડાએ શુક્રવારે અફઘાન તાલિબાનને ચેતવણી આપી હતી કે જો તેઓ અફઘાનિસ્તાનથી સરહદ પારથી હુમલાનું કાવતરું ઘડી રહેલા આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ નહીં કરે તો તેમની સેના અસરકારક રીતે જવાબ આપશે.
દેશના દક્ષિણ-પશ્ર્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં આ અઠવાડિયે બે આતંકી હુમલામાં ૧૨ સૈનિકો માર્યા ગયા બાદ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું નિવેદન આવ્યું છે. મુનીરે શુક્રવારે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં સેનાની બેઠક દરમિયાન માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.બુધવારના હુમલા દરમિયાન, બળ દ્વારા જવાબી ગોળીબારમાં સાત આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. આતંકવાદી સંગઠન તહરિર-એ-જેહાદ પાકિસ્તાને બુધવારે થયેલા એક હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઝોબ જિલ્લામાં થયેલા હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા.
સુઇ જિલ્લામાં બીજા હુમલા પાછળ કોનો હાથ હતો તે સ્પષ્ટ નથી. પાકિસ્તાની જનરલની ટિપ્પણી પર કાબુલમાં તાલિબાન સંચાલિત સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. પાકિસ્તાની તાલિબાન, અફઘાન તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ સહિત સ્થાનિક બલૂચ અલગતાવાદીઓ બલૂચિસ્તાનમાં હાજર છે.