ઇસ્લામાબાદ, રશિયાએ પાકિસ્તાનને તેના હેલિકોપ્ટરના એન્જિન પરત કરવા કહ્યું છે. રશિયાએ આ માંગ એવા સમયે કરી છે જ્યારે તે યુક્રેન સાથે લાંબા સમયથી યુદ્ધમાં ફસાયેલ છે. જેના કારણે તેને સૈન્ય સંસાધનોની જરૂરિયાતને પહોંચી વળવાના પડકારનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, મોસ્કોએ યુક્રેનિયન સંઘર્ષમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા એમઆઇ ૩૫એમ હેલિકોપ્ટરના એન્જિન પરત કરવા માટે પાકિસ્તાનનો સંપર્ક કર્યો છે. ખરાબ આર્થિક સ્થિતિ અને રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન માટે રશિયાની આ માંગણીઓ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર આ માંગ પર શું કરશે તે જોવું રહ્યું.
લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, રશિયાએ પાકિસ્તાનને જે હેલિકોપ્ટર એન્જિન પરત કરવા કહ્યું છે તે હેલિકોપ્ટરના આવશ્યક ભાગો છે. રશિયા યુક્રેનમાં તેનો વ્યાપક ઉપયોગ કરી રહ્યું છે. આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં રશિયા સાવચેતીના પગલા તરીકે આ હેલિકોપ્ટરના એન્જિનની માંગ કરી રહ્યું છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયાએ આવી કોઈ માંગ કરી નથી.
ધ વોલ સ્ટ્રીટના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ પાકિસ્તાનને તેના હેલિકોપ્ટર એન્જિન પરત કરવા કહ્યું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને તેની સૈન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે બહારની મદદની જરૂર છે. તે તેના સશ દળોને પહેલાથી ઉપયોગમાં લેવાતા સાધનો સાથે ટેકો આપવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન યુદ્ધને ટાંકીને રશિયાએ પાકિસ્તાન અને ઇજિપ્ત, બેલારુસ સહિત અન્ય ઘણા દેશોને આવી વિનંતી કરી છે.
રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. આ યુદ્ધ ફેબ્રુઆરી ૨૦૨૨ થી અત્યાર સુધી ૨૧ મહિના ચાલ્યું છે. બીજા વિશ્ર્વ યુદ્ધ પછી રશિયાનું આ સૌથી મોટું યુદ્ધ સાબિત થઈ રહ્યું છે. જો કે રશિયા તેને યુદ્ધ નહીં પણ સૈન્ય કાર્યવાહી ગણાવી રહ્યું છે, પરંતુ તેની અસર સમગ્ર પ્રદેશ પર પડી રહી છે. મોટી સંખ્યામાં યુક્રેનિયન લોકોએ દેશ છોડવો પડ્યો છે. તે જ સમયે, તેની અસર ઉર્જા સંકટ અને ખાદ્ય ચીજોની કિંમતો પર પણ પડી છે. આ સમયગાળા દરમિયાન આ યુદ્ધે ઘણા વળાંક લીધા છે અને હજુ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમય સુધી ચાલશે. આવી સ્થિતિમાં રશિયા તેના સૈન્ય સંસાધનોને એકત્ર કરવામાં વ્યસ્ત છે.