પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. જેમાં આર્મીના ૯ જવાનો શહીદ થયા છે. જ્યારે ૧૭થી વધુ જવાનો ઘાયલ થયા છે. ધ પાકિસ્તાન ટેલિગ્રાફના અહેવાલ મુજબ હુમલાખોર મોટરસાઇકલ પર આવ્યો હતો. તેણે ખૈબર પખ્તુનખ્વાના માલી ખેલ વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર હુમલો કરીને મોટી ઘટનાને અંજામ આપ્યો હતો.
પાકિસ્તાનના કાર્યવાહક પીએમ અનવર ઉલ હક કાકરે બન્નુ ડિવિઝનમાં બનેલી આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. કાકરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, કેપીકેના બન્નુ ડિવિઝનમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં ૯ બહાદુર સૈનિકોના મૃત્યુથી દિલ તૂટી ગયું છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આવા કૃત્યો નિંદનીય છે. મારી સંવેદના મૃતકોના પરિવારજનો અને ઘાયલો સાથે છે. પાકિસ્તાન આવા આતંકવાદ સામે મક્કમતાથી ઊભું છે.
આ પહેલો કિસ્સો નથી, જ્યારે પાકિસ્તાની સેના પર આ રીતે હુમલો થયો હોય. એક મહિનામાં ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં આ બીજી ઘટના છે. આ પહેલા ૩૦ જુલાઈના રોજ એક આત્મઘાતી હુમલાખોરે રાજકીય પક્ષની બેઠકમાં વિસ્ફોટ કર્યો હતો. આ ઘટનામાં ૫૪ લોકોના મોત થયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ રાજકીય બેઠકમાં રાજકીય પક્ષ જેયુઆઇ એફના ૪૦૦ થી વધુ સભ્યો અને સમર્થકોએ ભાગ લીધો હતો.
તાજેતરમાં જ ૧૩ ઓગસ્ટના રોજ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને અંજામ આપનાર બલૂચ લિબરેશન આર્મીના લોકોએ કહ્યું હતું કે આ હુમલામાં ૪ ચીની નાગરિકો અને ૯ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. હુમલાખોરોએ ફકીર બ્રિજ પર ચાઈનીઝ એન્જિનિયરોને લઈ જઈ રહેલા ૭ વાહનોના કાફલા પર હુમલો કર્યો હતો. આ પછી બંને તરફથી સતત વિસ્ફોટ અને ગોળીબાર થઈ રહ્યો હતો.