ઇસ્લામાબાદ, પાકિસ્તાની સેનામાં આજકાલ ઉથલ- પાથલ જોવા મળી રહી છે. નજીકના ભવિષ્યમાં આર્મી ચીફ બનવાના દાવેદારોમાં સામેલ લેફટનન્ટ જનરલ અયમાન બિલાલ સફદરે સેનામાંથી આપેલા રાજીનામાથી ખળભળાટ વ્યાપી ગયો છે. પાકિસ્તાનના મોટાભાગના મીડિયાએ આ ખબરને મહત્વ નથી આપ્યુ પણ દેશના યૂટ્યૂબર્સે તેના પર ચર્ચા છેડી દીધી છે.
લેફટનન્ટ જનરલ અયમાન બિલાલે તાજેતરમાં ચૂંટણીમાં થયેલી ગરબડમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની યૂટ્યૂબ ચેનલ્સે જણાવ્યુ છે કે, ’પાંચ માર્ચ, ૨૦૨૪ના રોજ મળેલી પાકિસ્તાની સેનાના કોર કમાન્ડરોની બેઠકમાં તેમણે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. ’
તેમની કોમેન્ટસથી વર્તમાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર નારાજ થયા હતા અને તેમણે લેફટનન્ટ જનરલ અયમાન બિલાલને રાજીનામુ આપવુ પડે તેવા સંજોગોનુ નિર્માણ કર્યુ હતુ. પાકિસ્તાનની સેનાની પહેલી કોરનુ નેતૃત્વ કરનારા લેફટનન્ટ જનરલ અયમાન બિલાલ ૨૦૨૭માં નિવૃત્ત થવાના હતા. એ પહેલા જો વર્તમાન સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર સમયસર નિવૃત્ત થાત તો ૨૦૨૫માં લેફટનન્ટ જનરલ અયમાન બિલાલને આર્મી ચીફ બનવાની તક મળે તેમ હતી. જોકે જનરલ મુનીર ૨૦૨૫ પછી પણ સેના પ્રમુખ તરીકે ચાલુ રહેવા માંગતા હોવાથી તેમણે લેફટનન્ટ જનરલ અયમાન બિલાલ પર રાજીનામાનુ દબાણ કર્યુ હતુ તેવો દાવો યૂટયૂબર્સ કરી રહ્યા છે.
આ પહેલા ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરોએ લાહોરમાં આર્મીના ફ્લેગ સ્ટાફ હાઉસમાં તોડફોડ કરી હતી અને તેના કારણે લેટનન્ટ સલમાન ફૈયાઝ ગનીની પણ કોર કમાન્ડર પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આમ એક વર્ષમાં પાકિસ્તાની સેનાના બીજા કોર કમાન્ડરને આર્મી છોડવાનો વારો આવ્યો છે.
પાકિસ્તાની પત્રકાર તેમજ પાકિસ્તાન ડેમોક્રસી ફોરમના સંયોજક હૈદર મહેદીએ દાવો કર્યો છે કે, ’સૌથી પહેલા આ ઘટનાક્રમને સામે લાવનાર વ્યક્તિ હું છું. હકીક્ત એવી છે કે લેફટનન્ટ જનરલ અયમાન બિલાલને કોઈ પણ જાતની પૂર્વ ચેતવણી આપ્યા વગર સેનાની પહેલી કોરના કમાન્ડર પદેથી હટાવી દેવાયા હતા અને ચાર એપ્રિલે તેમને હેડ ક્વાર્ટરમાં રિપોર્ટ કરવાનો આદેશ અપાયો હતો. જોકે તેમણે એ પહેલા બે એપ્રિલે રાજીનામુ ધરી દીધુ હતુ. જેને પાકિસ્તાની આર્મી ચીફ અને રાષ્ટ્રપતિએ સ્વીકારી પણ લીધુ છે. હાલમાં લેફટનન્ટ જનરલ અયમાન બિલાલ સાઉદી અરબમાં ધામક યાત્રા પર ગયા છે.’