ઇસ્લામાબાદ,રોજ પાકિસ્તાનને આર્થિક મોરચે નવા ફટકા વાગી રહ્યા છે. હાથ-પગ જોડયા પછી પણ પાકિસ્તાનને આઈએમએફ દ્વારા લોન અપાઈ રહી નથી અને તેની અસર પાકિસ્તાની રૂપિયા પર પડી રહ્યા છે. પાક રૂપિયો રોજ ગગડવાના નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.
લોનમાં થઈ રહેલા વિલંબના કારણે પાકિસ્તાની રૂપિયો હવે અત્યાર સુધીના સૌથી નીચા સ્તર પર છે. એક ડોલરની સામે પાકિસ્તાની રૂપિયો ૨૮૮ પર પહોંચી ચુકયો છે. પાકિસ્તાન ગમે ત્યારે નાદાર જાહેર થાય તેવી સ્થિતિ છે પણ આઈએમએફ લોન આપવા માટે ટસનુ મસ થઈ રહ્યુ નથી. આઈએમએફના પ્રતિનિધિઓનુ કહેવુ છે કે, પાકિસ્તાન સરકારે હજી ઘણા સુધારા કરવાની જરૂર છે.
પાકિસ્તાને ૬.૫ અબજ ડોલરની લોન આપવા માટે કાકલૂદી કરેલી છે. પાકિસ્તાનને એક તરફ આ લોન આઈએમએફ આપી રહ્યુ નથી અને બીજી તરફ ગયા મહિને શ્રીલંકાને ત્રણ અબજ ડોલરની મદદ લોન સ્વરૂપે કરી છે. યુધ ગ્રસ્ત યુક્રેનને પણ આઈએમએફ દ્વારા ૨.૭ અબજ ડોલર લોનના પહેલા હપ્તા તરીકે આપવામાં આવ્યા છે.
પાકિસ્તાન અને આઈએમએફ વચ્ચેની વાટાઘાટોના ભાગરૂપે ઘણી બેઠકો થઈ ચુકી છે પણ કોઈ રસ્તો નીકળી રહ્યો નથી. આમ તો પાકિસ્તાન સરકાર આઈએમએફની ઘણી ભલામણો પર અમલ કરી ચુકી છે. જેમ કે પાકિસ્તાનમં ટેક્સ વધારી દેવાયો છે, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ જંગી વધારો કરાયો છે. રૂપિયાને અવમુલ્યન માટે પાક સરકારે મુક્ત કરી દીધો છે.
પાકિસ્તાને હવે આઈએમએફને કહી દીધુ છે કે, તમે લોન નહીં આપો તો અમે સાઉદી અરબ પાસે હાથ ફેલાવીશું. આમ તો પાકિસ્તાન નાદાર થઈ ગયુ હોત પણ ખરા સમયે ચીને પાકિસ્તાનની લોન આપીને મદદ કરી હતી.