બીજીંગ,
પાકિસ્તાન ભયંકર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. પાકિસ્તાની લોકોને લોટ, ચા જેવી આવશ્યક ખાદ્ય સામગ્રી પણ મળી શક્તી નથી. એટલું જ નહીં તેમની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં સૌથી શક્તિશાળી કહેવાતી સેના પાસે તેના સૈનિકો પર હુમલો કરી રહેલા આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહી કરવા માટે પૂરતા પૈસા નથી. ચીને જાહેરાત કરી છે કે તે ટેકનિકલ કારણોસર પાકિસ્તાનમાં તેના દૂતાવાસના કોન્સ્યુલર વિભાગને અસ્થાયી રૂપે બંધ કરી રહ્યું છે. ચીનની આ જાહેરાતથી પાકિસ્તાનીઓને વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે.
જિયો ન્યૂઝ અનુસાર ચીનના દૂતાવાસે આ પગલું ભરવા પાછળ કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી. કોન્સ્યુલર વિભાગ ક્યારે ખોલવામાં આવશે તે પણ ચીને જણાવ્યું નથી. ચાઈનીઝ એમ્બેસીએ તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલી નોટિસમાં જાહેરાત કરી હતી કે કોન્સ્યુલર સેક્શન બંધ કરવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૧૩ ફેબ્રુઆરી બંધ કરવામાં આવેલા આ વિભાગ આગામી આદેશો સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ચીને પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં ખૂબ જ સાવધાન રહે.
જાહેર કરાયેલી નોટિસમાં ચીનના વિદેશ મંત્રાલયના કોન્સ્યુલર વિભાગે તેના નાગરિકોને ચેતવણી આપી હતી કે, પાકિસ્તાનમાં તેમની સુરક્ષા માટે મોટો ખતરો હોઈ શકે છે. ચીનની સરકારે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે એક દિવસ પહેલા શાહબાઝ સરકારે દાવો કર્યો હતો કે તે દેશના નાગરિકો અને વિદેશીઓની સુરક્ષા કરશે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે ૧૨ ફેબ્રુઆરીએ ગ્વાદરમાં અધિકારીઓને પાકિસ્તાની અને વિદેશી નાગરિકોને સંપૂર્ણ સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરી રહેલા ચીની નાગરિકોને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ દિશામાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં. પાકિસ્તાની ગૃહમંત્રીની આ ખાતરી પછી પણ ચીન માનતું નથી અને ચીને પોતાના નાગરિકોને સાવધાન રહેવા કહ્યું છે.
પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા ચીની નાગરિકો પર સતત હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં, આતંકવાદીઓએ એક મસ્જિદ પર હુમલો કર્યો અને લગભગ ૧૦૦ લોકોની હત્યા કરી હતી. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. એવું માનવામાં આવે છે કે ચીનની સરકાર આ બધાથી ગભરાઈ ગઈ છે અને તેણે તેના નાગરિકોને ચેતવણી આપવી પડી છે.