પાકિસ્તાનની નવી સરકાર માટે બે વર્ષ પડકારજનક બની રહેશે,નવાઝ શરીફ

ઇસ્લામાબાદ, તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ પછી, ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની રાજકીય પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન દેશની બાગડોર સંભાળવા માટે તૈયાર છે. જોકે, આ માટે તેણે બિલાવલ ભુટ્ટોની પાર્ટી સાથે ગઠબંધન કરવું પડ્યું. દેશમાં બડે શરીફ તરીકે જાણીતા નવાઝે ગઈ કાલે પીએમએલ-એન સંસદીય દળની બેઠકને સંબોધિત કરી હતી.

તેમણે કહ્યું કે ગઠબંધન સરકાર માટે આગામી બે વર્ષ પડકારજનક રહેશે. સરકારની પ્રાથમિક્તા અર્થતંત્રને પાટા પર લાવવાની અને રાજકીય અસ્થિરતાને ખતમ કરવાની હોવી જોઈએ. આ બેઠકમાં તેમના નાના ભાઈ અને ભાવિ વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ હાજર હતા.

ડોન અખબારના જણાવ્યા અનુસાર, મોટા શરીફે સરકાર બનાવવા માટે પીએમએલ એન અને પીપીપી વચ્ચે થયેલા કરારને સમર્થન આપ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે શાહબાઝ દેશને તેની તમામ ’વિશાળ’ સમસ્યાઓમાંથી મુક્ત કરશે. નવાઝે કહ્યું, શાહબાઝ વડાપ્રધાન પદ માટે પાર્ટીના ઉમેદવાર છે, જ્યારે સરદાર અયાઝ સાદિક નેશનલ એસેમ્બલી સ્પીકર પદ માટે અમારા ઉમેદવાર છે.

નવાઝ શરીફે કહ્યું કે દેશની નાજુક અર્થવ્યવસ્થા અને રાજકીય પરિસ્થિતિને કારણે કેન્દ્રમાં નવી સરકાર માટે આગામી બે વર્ષ મહત્વપૂર્ણ રહેશે. ગઠબંધન સરકારે શરૂઆતમાં હિંમતભેર વિપક્ષનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે પહેલું કામ મોંઘવારી પર નિયંત્રણ અને ગવર્નન્સ સુધારવાનું હોવું જોઈએ. બે વર્ષ પછી આવનારી સરકારને લોકો અને દેશ માટે ઘણું બધું કરવાની પૂરતી તક મળશે. તેમણે કહ્યું કે, શાહબાઝ શરીફે જે રીતે ૧૬ મહિના સુધી સરકાર ચલાવી તે ખૂબ જ પડકારજનક હતું. તેમણે પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાનની નફરતની રાજનીતિને પ્રોત્સાહન આપવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવા બદલ ટીકા કરી હતી.

આ અવસર પર શાહબાઝે તેમના ભાઈ નવાઝ શરીફની તેમના પાછલા કાર્યકાળ દરમિયાનની ઉપલબ્ધિઓને યાદ કરી. કહ્યું- નવાઝ શરીફે દેશને વીજળી સંકટમાંથી મુક્ત કરાવ્યો અને દેશભરમાં મોટરવેનું નેટવર્ક પૂરું પાડ્યું. તેમણે કહ્યું કે ગઠબંધન પક્ષોના સહયોગથી તેઓ દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે ત્રણ અપક્ષ ઉમેદવારોના પ્રવેશ સાથે નેશનલ એસેમ્બલીમાં પીએમએલ-એનની કુલ બેઠકોની સંખ્યા વધીને ૧૦૪ થઈ ગઈ છે.