પાકિસ્તાની ગાયક આતિફ અસલમ સાત વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરી રહ્યો છે

મુંબઇ, પાકિસ્તાની ગાયક આતિફ અસલમ સાત વર્ષના લાંબા અંતરાલ બાદ બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. હવે ટૂંક સમયમાં જ અદભૂત ગાયકનો અવાજ ફરી એકવાર બોલિવૂડમાં ગુંજવા માટે તૈયાર છે. એક પછી એક ગીતથી લોકોના દિલ જીતનાર આતિફ અસલમ ફરી એકવાર લોકોના ધબકારા વધારતો જોવા મળશે. ’દિલ દિયાં ગલ્લાં’ ગાયક હવે એક ફિલ્મ માટે ગીત ગાવા જઈ રહ્યો છે, જેમાં અયાયન સુમન અને દિવિતા રાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડના રિપોર્ટ અનુસાર, આતિફ અસલ ’લવ સ્ટોરી ઑફ નાઈન્ટીઝ’ની ટીમ સાથે સહયોગ કરી ચૂક્યો છે. આ ફિલ્મ અમિત ક્સરિયા બનાવી રહ્યા છે. ૨૦૧૬માં ઉરી આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાની કલાકારો પર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નિર્માતા અને વિતરકો હરેશ સાંગાણી અને ધર્મેશ સાંગાણીએ આતિફ અસલમ સાથે કામ કરવાનો તેમનો ઉત્સાહ શેર કરતાં કહ્યું, ’૭-૮ વર્ષ પછી આતિફ અસલમ માટે પુનરાગમન કરવું ખૂબ જ આશ્ર્વાસનદાયક છે. અમે ખૂબ જ ખુશ છીએ કારણ કે તેણે અમારી ફિલ્મ ’૯૦ના દાયકાની લવ સ્ટોરી’માં પહેલું ગીત ગાયું છે. આ સમાચાર જાણ્યા પછી આતિફ અસલમના ચાહકો ખૂબ જ રોમાંચિત થઈ જશે. તે અમારી ફિલ્મ દ્વારા બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યો છે.

ફિલ્મના નિર્માતાઓએ એ પણ ખુલાસો કર્યો કે ગાયકે તેમની ફિલ્મમાં માત્ર એક જ ગીત ગાયું છે. ફિલ્મના શીર્ષક સાથે મેળ ખાતા આ ગીતને રોમેન્ટિક નંબર માનવામાં આવે છે. ચાહકોની અપેક્ષાઓ હવે વધી રહી છે. લોકોને લાગે છે કે આતિફ અસલમ વધુ એક હિટ રોમેન્ટિક ગીત આપવા જઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ૪૦ વર્ષીય સિંગર આતિફ અસલમે વર્ષ ૨૦૦૩માં ’જલ’ નામના લોકપ્રિય બેન્ડથી પોતાની સંગીત યાત્રાની શરૂઆત કરી હતી. આતિફે બોલિવૂડના ઘણા લોકપ્રિય ગીતો ગાયા છે, જેમાં ’પહેલી નજર મેં’, ’બખુદા તુમ્હી હો’, ’તુ જાને ના’, ’જીના જીના’, ’મૈં રંગ શરબતોં કા’ અને ઘણા બધા ગીતો સામેલ છે. અભિનેતાના અવાજના વિશ્ર્વભરમાં લાખો ચાહકો છે.