લાહોર,
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝના લાહોર સ્થિત ઘરમાંથી વિદેશી ચલણ સહિત અન્ય કિંમતી સામાનની ચોરી થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. તસ્કરોએ મોહમ્મદ હાફીઝના ઘરમાંથી ૨૦,૦૦૦ ડોલર (અંદાજે ૧૬ લાખ રૂપિયા)નું વિદેશી ચલણ ચોર્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે હફીઝની પત્નીએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. તસ્કરો હફીઝના ઘરમાં ઘૂસ્યા અને વિદેશી મુદ્રા તેમજ અન્ય કિંમતી સામાન ચોરી ગયા હતા. ઘટના સમયે હફીઝ અને તેની પત્ની ઘરમાં નહોતી. તે ઈસ્લામાબાદમાં હતો. આ આખીયે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મોહમ્મદ હફીઝ અત્યારે પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડિયેટર્સ તરફથી રમી રહ્યો છે. તેની ટીમે ૮ માર્ચે એક શાનદાર જીત મેળવી હતી. ગ્લેડિયેટર્સે પેશાવર જાલ્મીને આઠ વિકેટે હરાવ્યું હતું. તેણે ૨૪૧ રનના લક્ષ્યાંકને ૧૮.૨ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. પાકિસ્તાન સુપર લીગમાં આ સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો.