ભુવનેશ્ર્વર, ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની અસર ભારતમાં તેમજ વિશ્ર્વના લોકોને પડી છે. આ ભયાનક અકસ્માતમાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માત ગયા શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયો હતો. આ અકસ્માતમાં લગભગ ૨૮૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, ૧૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટ દ્વારા તેમણે કહ્યું કે માનવ જીવનનું નુકશાન હંમેશા દુ:ખદાયક હોય છે. રિઝવાને ટ્વીટમાં આગળ લખ્યું કે મારું હૃદય અને પ્રાર્થના ભારતમાં ટ્રેન દુર્ઘટનાથી પ્રભાવિત લોકો સાથે છે.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વીટમાં દુ:ખ વ્યક્ત કરતા તેમણે લખ્યું, ભારતમાં ટ્રેનની ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. અલ્લાહ તે બધાને શક્તિ આપે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.
મોહમ્મદ રિઝવાન અને હસન અલીના આ ટ્વિટ પર લોકોએ બંને પાકિસ્તાની ક્રિકેટરોના વખાણ કર્યા. એક યુઝરે કમેન્ટ કરી કે, લવ યુ રિઝવાન ભાઈ. અન્ય એક યુઝરે રિઝવાનની ટ્વીટને ’ટ્વીટ ઓફ ધ ડે’ ગણાવી હતી. એ જ રીતે, હસન અલીના ટ્વીટ પર ઘણા ચાહકોએ પ્રતિક્રિયા આપી.
વિરાટ કોહલી અને વિરેન્દ્ર સેહવાગ સહિત ઘણા ખેલ દિગ્ગજોએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે દુ:ખ વ્યક્ત કરવાની સાથે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના બાળકોને પોતાની શાળામાં મફત શિક્ષણ આપવાની વાત પણ કરી હતી.