ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહીદ આફ્રિદીએ કાશ્મીર મુદ્દે ફરી એકવાર ઝેરી નિવેદન આપ્યું છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કાશ્મીરની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી હતી. તેણે કહ્યું, જુઓ ઈઝરાયેલે પેલેસ્ટાઈન સાથે શું કર્યું છે. પાકિસ્તાની સેનાના ખૂબ વખાણ કરતા તેમણે કહ્યું હતુ કે આપણે તેમને સમર્થન આપવું જોઈએ. આફ્રિદીએ સેનાને સપોર્ટ આપવાની અપીલ કરી છે.
શાહિદ આફ્રિદીએ ટીવી પર કહ્યું- ’ક્યાં સુધી આપણે એકબીજા સાથે લડતા રહીશું? આપણે પોતે આ દેશના દુશ્મન છીએ. પાકિસ્તાની સેનાએ આ દેશ માટે મોટું બલિદાન આપ્યું છે. રાજકારણીઓ આ કેમ સ્વીકારતા નથી? જો પાકિસ્તાનની સેના નથી તો આઝાદી શું છે? પેલેસ્ટાઈનીઓને પૂછો, કાશ્મીરીઓને પૂછો. આપણે સેનાની સાથે ઊભા રહેવાનું છે.રાજનેતાઓની ભૂમિકા દેશને આગળ વધારવાની હોય છે. આપણો દેશ શા માટે ટકાઉ વિકાસ નથી કરી શક્તો? આ દેશની હાલત જોઈને મારા બાળકો પૂછે છે, ’પપ્પા, દેશમાં શું થઈ રહ્યું છે?’
આ પહેલીવાર નથી જ્યારે આફ્રિદી ભારત વિરુદ્ધ બોલ્યો હોય. અનેક પ્રસંગોએ તેણે ટ્વિટર પોસ્ટ અને વીડિયો દ્વારા કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ આવા વાહિયાત નિવેદનો આપ્યા છે. પૂર્વ ક્રિકેટરે ગયા વર્ષે પણ કાશ્મીર પર ઝેર ઓક્તા ટ્વીટ કર્યું હતું. આફ્રિદી દિવસે ને દિવસે ભારત વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપતો રહે છે અને પાક. સેનાના સમર્થનમાં નિવેદનો આપતો રહે છે.
જ્યારે આફ્રિદીને પૂછવામાં આવ્યું કે તે આ નિવેદન કેમ આપી રહ્યો છે તો તેણે કહ્યું હતું કે, ’જો કોઈ પર જુલમ થશે તો હું ચોક્કસ બોલીશ. તેણે કહ્યું હતુ કે મેં હંમેશા કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરી છે. યાસીન મલિકના વખાણ કરતા તેણે કહ્યું હતુ કે, ’ભારત માનવાધિકારના ઉલ્લંઘનની ટીકા કરનારાઓનો અવાજ દબાવવાનો સતત પ્રયાસ કરે છે. તેઓ યાસીન મલિકના પ્રયાસોને ઓછા કરી શકશે નહીં. આફ્રિદી ભૂતકાળમાં PM મોદીની ટીકા પણ કરી ચૂક્યો છે.