- હું મોદી, ભાજપ અને આરએસએસથી નથી ડરતો; ૨ દિવસ પહેલાં વડાપ્રધાનને ક્સાઈ કહ્યા હતા.
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની પાર્ટી ભાજપ અને આરએસએસથી ડરતો નથી. બિલાવલે એમ પણ કહ્યું કે બે દિવસ પહેલા તેણે જે કહ્યું હતું તે ઈતિહાસ મુજબ હતું અને ઈતિહાસને બદલવો ઘણો મુશ્કેલ છે.
જણાવી દઈએ કે બે દિવસ પહેલા ગુરુવારે બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો, પરંતુ ગુજરાતનો ક્સાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતનો વડાપ્રધાન છે. આ પછી ભાજપના કાર્યર્ક્તાઓએ શનિવારે દેશભરમાં બિલાવલનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ પાકિસ્તાની દૂતાવાસની બહાર પણ પ્રદર્શન કર્યું હતું. રવિવારે બિલાવલ ન્યૂયોર્કમાં પાકિસ્તાની મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. જ્યારે મીડિયાએ ભારતમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ અંગે પૂછ્યું તો તેમણે જવાબ આપતા કહ્યું કે આ વિરોધ પ્રદર્શનોનો હેતુ પાકિસ્તાનને ડરાવવાનો છે, પરંતુ તે કામ કરશે નહીં.
બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન મોદીને ક્સાઈ કહેવાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું- તેમનો ઉદ્દેશ્ય ભારતમાં મુસ્લિમો પ્રત્યે ચાલી રહેલા ભેદભાવ અને નફરત સામે અવાજ ઉઠાવવાનો હતો. આવી સ્થિતિમાં તેમની સામે વિરોધ કરવાને બદલે નફરત અને ભેદભાવ સામે અવાજ ઉઠાવવો વધુ સારું રહેશે.
ભારતે બિલાવલ ભુટ્ટોના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી જયશંકરે યુએનએસીમાં પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું, ત્યારબાદ બિલાવલે CM મોદીને લઈને આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભારતે વળતો જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન પાસે એટલી વિશ્ર્વસનીયતા નથી કે ભારત પર આંગળી ઉઠાવી શકે . હવે ’મેક ઇન પાકિસ્તાન ટેરરિઝમ’ રોક લગાવી પડશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનના વિદેશમંત્રી ૧૬ ડિસેમ્બર ૧૯૭૧નો દિવસ ભૂલી ગયા છે. જ્યારે પાકિસ્તાનના ૯૦ હજારથી વધુ સૈનિકોએ ભારતીય સેનાની આગળ સરેન્ડર કર્યું હતું. પાકિસ્તાની શાસકો દ્વારા બંગાળીઓ અને હિન્દુઓના નરસંહારનું આ પરિણામ હતું. લઘુમતીઓ સાથે પાકિસ્તાનના વ્યવહારમાં હજુ પણ કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન હવે આતંકવાદીઓનો ઉપયોગ કરવા સક્ષમ નથી. બિલાવલ ભુટ્ટોનું વિવાદાસ્પદ નિવેદન આનું પરિણામ છે. બિલાવલ ભુટ્ટોએ તેમના દેશમાં હાજર આતંકવાદના માસ્ટરમાઇન્ડ વિશે નિવેદન આપવું જોઈએ, જેમણે આતંકવાદને દેશની નીતિનો ભાગ બનાવી દીધો છે. પાકિસ્તાને પોતાનું વલણ બદલવું પડશે.