ભારતીય ક્રિકેટ ટીમ ટી ૨૦ વિશ્ર્વકપ ૨૦૨૪ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્ર્વ ચેમ્પિયન બની ચૂકી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ૧૭ વર્ષ બાદ ટી ૨૦ વિશ્ર્વકપ જીતી છે. ટીમ ઈન્ડિયાને વિશ્ર્વ ચેમ્પિયન બનાવવામાં જસપ્રીત બુમરાહે મહત્વની ભૂમિકા નિભાવતી બોલિંગ કરી હતી. પાકિસ્તાનને ભારતીયોની સફળતા જોઈને આમ પણ પેટમાં તેલ રેડાતુ હોય છે. હવે ટી ૨૦ વિશ્ર્વકપ જીત્યા બાદ ફરી એકવાર આવી જ ભાવના સામે આવી ચૂકી છે.
પાકિસ્તાનના એક રિપોર્ટરે આઈસીસી સામે ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની બોલિંગને લઈ તપાસની માંગ કરી દીધી છે. ભારતીય સ્ટાર બોલરની ટી ૨૦ વિશ્ર્વકપમાં શાનદાર બોલિંગ બાદ જાણે કે પાકિસ્તાનમાં ઈર્ષાની આગ લાગી ચૂકી છે. ભારતીય ટીમના ખેલાડીઓની સફળતા જાણે કે હજુય પચી શક્તિ નથી.
પાડોશી પાકિસ્તાનની જાણીતી ચેનલ જીઓ ન્યૂઝની પત્રકાર આરફા ફિરોઝે આ અંગેની વાત કરી છે. પત્રકાર આરફાએ કહ્યું છે કે, આઈસીસી મોટેભાગે પાકિસ્તાની બોલર્સ સામે એક્શન લે છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાનનો કોઈ બોલર આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં અસર કરે છે તો, તેની સામે તપાસ શરુ કરવામાં આવતી હોય છે. આ માટે હવે જસપ્રીત બુમરાહની અજીબોગરીબ બોલિંગ એક્શન સામે પણ તપાસ થવી જરુરી છે. આઈસીસીએ જોવું જોઈએ કે નિયમોના મુજબ તેની બોલિંગ એક્શન યોગ્ય છે કે, નહીં.
આમ પાકિસ્તાનની પત્રકારે હવે બુમરાહની બોલિંગ એક્શન પર જ સવાલ ઉઠાવી દીધા છે અને આઈસીસી સામે તપાસની માંગ કરી દીધી છે. બુમરાહે ટી ૨૦ વિશ્ર્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્રિકેટ એક્સપર્ટના મત મુજબ બુમરાહની બોલિંગ એક્શન અન્ય બોલર્સની તુલનામાં તેને ખાસ બનાવી રહી છે. આ કારણ થી જ તે એંગલ રચે છે અને તેને વધારે મૂવમેન્ટ મળે છે. જેને બેટર પણ બરાબર સમજી શક્તા નથી અને તેનો તેને ફાયદો મળે છે. પ્રદર્શનને લઈ જ ટી ૨૦ વિશ્ર્વકપમાં પ્રથમવાર એવું બન્યું છે કે, કોઈ બોલર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે. બુમરાહ ટી ૨૦ વિશ્ર્વકપ ઇતિહાસમાં એક એડિશનમાં સૌથી ઇકોનમિકલ બોલર બની ચૂક્યો છે.ટી ૨૦ વિશ્ર્વકપ ૨૦૨૪માં બુમરાહે ૮ મેચમાં ૧૫ વિકેટ પોતાને નામ કરી હતી. જ્યારે ૪.૧૭ની ઈકોનોમીથી તેણે રન આપ્યા હતા. આ કારણ થી જ તે ટી ૨૦ વિશ્ર્વકપમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકેના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ગુજરાત તરફથી ડોમેસ્ટીક ક્રિકેટ રમે છે અને તે પોતાની યૂનિક બોલિંગ એક્શનને લઈ જાણીતો બન્યો હતો. બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મેદાને ઉતરીને ડેબ્યૂ કરતા જ તે ક્રિકેટની દુનિયામાં નજરમાં આવ્યો હતો. મુંબઈને તેણે અનેક મેચ જીતાડી હતી અને ત્યાર બાદ તે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બન્યો હતો.