ભારત વિરૂદ્ધ પાકિસ્તાનના નવા ષડયંત્રનો ખુલાસો થયો છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવાનું પ્લાનિંગ કર્યું છે. પાકિસ્તાને દુનિયાભરમાં પોતાના દૂતાવાસોને કહ્યું કે કાશ્મીર ઘાટીમાં એવા ષડયંત્રો રચવા જેનાથી દુનિયામાં ભારત સરકારની છાપ ખરાબ થાય.
ઇન્ટેલિજન્સ એજન્સીઓએ જણાવ્યું કે- પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાની બધી એમ્બેસીને સીક્રેટ નોટ મોકલી છે. જેમાં ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચવાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. ૫ ફેબ્રુઆરીએ પાકિસ્તાન ‘કાશ્મીર સૉલિડૈરિટી ડે’ ઉજવે છે. તેના માટે ઇસ્લામાબાદના પાકિસ્તાન હાઈ કમિશને ભારતીય સેનાને બદનામ કરવાની યોજનાની વિગતો આપતા તમામ દૂતાવાસોને ફેક્સ અને ઈમેલ મોકલ્યા છે.
કાશ્મીર એક્તા દિવસ શું છે? પાકિસ્તાન પ્રમાણે, કાશ્મીર પર ભારતનો ગેરકાયદેસર કબજો છે અને ભારતીય સેના અહીં અત્યાચાર કરે છે. તેના વિરોધમાં પાકિસ્તાન દર વર્ષે ૫ ફેબ્રુઆરીએ કાશ્મીર એક્તા દિવસની ઉજવણી કરે છે.
શુક્રવારે જૈશ-એ-મોહમ્મદના ૬ આતંકવાદીઓ ઝડપાયા હતા જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ મળીને શુક્રવારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ૬ આતંકીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.
સેના અને પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ દ્વારા સરહદ પારના તેમના હેન્ડલર્સના સંપર્કમાં હતા. તેઓ કુલગામ જિલ્લામાં ગ્રેનેડ હુમલાની યોજના બનાવી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય અહીંના નાગરિકોને ડરાવીને વિસ્તારની શાંતિને ખલેલ પહોંચાડવાનો હતો.