નવીદિલ્હી, પાકિસ્તાન પાસેથી એશિયા કપની મેજબાની લગભગ છીનવાઈ રહેલી દેખાઈ રહી છે. આ વર્ષે પાકિસ્તાનમાં એશિયા કપ રમવાનો છે જેમાં પાકિસ્તાન ઉપરાંત ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવી ટીમો ભાગ લેશે. જો કે ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં જઈને એશિયા કપમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ મુદ્દાને લઈને બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે ટક્કર યથાવત હતી. બીજી બાજુ હવે બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે એશિયા કપ-૨૦૨૩નું આયોજન કોઈ તટસ્થ સ્થળ ઉપર જ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એશિયા કપને યૂએઈ અથવા તો પછી ક્તરમાં આયોજિત કરવામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવામાં જો પાકિસ્તાન પાસેથી એશિયા કપની યજમાની છીનવાઈ જશે તો તેને આર્થિક નુક્સાન જશે જ સાથે સાથે વિશ્ર્વિક મંચ પર ફરીવાર સાબિત થઈ જશે કે ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન એક સુરક્ષિત જગ્યા નથી !
પાકિસ્તાનમાં જઈને એશિયા કપ નહીં રમવાની જાહેરાત બાદ ભારતને પીસીબીએ વન-ડે વર્લ્ડકપને લઈને ધમકી આપી હતી. વન-ડે વિશ્ર્વ કપની યજમાની ભારત પાસે છે જે આ વર્ષે રમાશે. આવામાં પાકિસ્તાનને કહ્યું કે જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો વન-ડે વર્લ્ડકપ માટે પાકિસ્તાન પણ ભારતનો પ્રવાસ નહીં કરે.
અહેવાલોમાં એવું પણ કહેવાયું છે કે એશિયા કપને ક્તર અથવા તો પછી યુએઈમાં આયોજિત કરવામાં આવી શકે છે પરંતુ આ પહેલાં ભારતીય ટીમની આ ટૂર્નામેન્ટમાં ભાગીદારી માટે એક વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ તો ટીમ ઈન્ડિયા કોઈ પણ ભોગે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે આવામાં એશિયા કપમાં ભારતીય ટીમ પોતાના મુકાબલા ઈંગ્લેન્ડમાં પણ રમી શકે છે. બીજી બાજુ હવે આયોજનને પાકિસ્તાનથી યુએઈ અને ક્તરમાં ખસેડવાની વાત સામે આવી છે આવામાં ટીમ ઈન્ડિયા આ નવા સ્થળે પોતાના મુકાબલા રમી શકે છે.