ઇસ્લામાબાદ, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન ભારતમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેણે એક નવો વીડિયો જાહેર કર્યો છે જેમાં કહ્યું છે કે ખેડૂતોએ ભારતીય અધિકારીઓ સામે હથિયાર ઉઠાવવા જોઈએ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમેરિકામાં બેઠેલો આ ખાલિસ્તાની આતંકવાદી ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી એક પછી એક વીડિયો જાહેર કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે, પરંતુ બાયડન પ્રશાસન તેની સામે કોઈ પગલાં લઈ રહ્યું નથી. તમને જણાવી દઈએ કે ગુરપતવંત સિંહ પન્નુન પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસનો સ્થાપક અને વકીલ છે, જેની પાસે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિક્તા છે. આ એ જ આતંકવાદી છે જેની હત્યાની કોશિશનો આરોપ અમેરિકાએ ભારતીય અધિકારી વિરુદ્ધ લગાવ્યો હતો, જેની તપાસ ચાલી રહી છે.
એવા સમયે જ્યારે ભારતમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂતો ઉભા છે, ત્યારે આ ખાલિસ્તાની આતંકવાદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને એક વીડિયો પણ જાહેર કરીને ખેડૂતોને કહ્યુ છે કે પાકિસ્તાન સાથેની કરતારપુર બોર્ડર પાસે હથિયારો રાખવામાં આવ્યા છે.
ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતી વખતે, પન્નુને કહ્યું છે કે ખેડૂતોએ તેમના મુદ્દાઓને પાર પાડવા માટે કેન્દ્ર સરકાર વિરુદ્ધ આ હથિયારોનો ઉપયોગ કરવો જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પન્નુને ખેડૂતોને ઉશ્કેર્યા છે અને કહ્યું છે કે ખેડૂતોએ અધિકારીઓ વિરુદ્ધ હથિયારોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી સરકાર તેમની વાત સ્વીકારવા તૈયાર થઈ જાય. પન્નુને પોતાના વીડિયોમાં કહ્યું છે કે, તમે પણ ભારત સરકારની ગોળીઓનો જવાબ ગોળીઓથી આપો, કરતારપુર બોર્ડર પર તમારા માટે હથિયારો રાખવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, ભારત સરકારના ટોચના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ પન્નુનના વીડિયોની તપાસ કરી રહ્યા છે અને અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પન્નુન ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ભારતીય ખેડૂતો ખાલિસ્તાની આતંકવાદીની વાતને ભૂલશે નહીં. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પન્નુને ઘણી વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને ભારતમાં ખૂન-ખરાબો કરવાની ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે ખેડૂતોના આંદોલનનો આજે ૭મો દિવસ છે અને ખેડૂતો હજુ પણ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર અટવાયેલા છે. ખેડૂતોએ ૧૩ ફેબ્રુઆરીએ ’દિલ્હી ચલો અભિયાન’ શરૂ કર્યું હતું, પરંતુ આ વખતે તેમને દિલ્હી તરફ આવવા દેવામાં આવ્યા ન હતા અને ભારે સુરક્ષા વચ્ચે હરિયાણા-પંજાબ બોર્ડર પર રોકી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ, ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે સતત વાટાઘાટો ચાલી રહી છે અને ૧૮ ફેબ્રુઆરીએ ચોથો રાઉન્ડ યોજાયો હતો, જે બાદ પંજાબ ક્સિાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન , કેન્દ્ર સરકારે પાંચ વર્ષની યોજના માટે સહમતિ દર્શાવી કેટલાક વિચારો રજૂ કર્યા છે, જે બાદ ખેડૂતોએ ’દિલ્હી ચલો’ કૂચ પર પ્રતિબંધ મૂક્યો છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું, અમે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તો અંગે સાથી ખેડૂતો સાથે ચર્ચા કરીશું અને નિષ્ણાતોના અભિપ્રાય લઈશું. અમે આગામી બે દિવસમાં સરકારની દરખાસ્ત પર ચર્ચા કરીશું અને સરકાર પણ ચર્ચા-વિચારણા કરશે. અમને સકારાત્મક પરિણામની આશા છે, નહીં તો અમે અમારી દિલ્હી ચલો કૂચ ચાલુ રાખીશું.