- પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનની નજીક મનાતા અધિકારીઓએ રાજીનામા આપી દીધા છે
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં આર્મીના નવા વડાની નિમણૂક બાદ પાકિસ્તાન સૈન્યમાં મતભેદ સર્જાયા હોવાના સંકેત સામે આવી રહ્યા છે. જનરલ અસીમ મુનીરની આર્મી ચીફ તરીકે નિમણૂકના વિરોધમાં બે વરિષ્ઠ જનરલોએ તેમના હોદ્દા છોડવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે આ બંને જનરલ પૂર્વ પીએમ ઈમરાન ખાનના મિત્ર હોવાનું અને તેમની નજીકના માનવામાં આવી રહ્યાં છે. કહેવાય છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનના સૈન્યના અન્ય કેટલાક મોટા અધિકારીઓ રાજીનામું આપી શકે તેમ છે. પાકિસ્તાનમાં નવા આર્મી ચીફ બન્યા પછી તરત જ, એક વરિષ્ઠ સૈન્ય અધિકારી, કે જેઓ ઇમરાન ખાનની નજીક માનવામાં આવે છે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જેલમાં નંખાયેલા આ અધિકારી ઉપર કથિત રીતે અભદ્ર નિવેદનો કરવાનો આરોપ છે.
રિપોર્ટ અનુસાર, સૈન્યનો હોદ્દો છોડનારાઓ પૈકીના એક લેટનન્ટ જનરલ ફૈઝ હમીદ, ઈમરાન ખાનની સરકાર દરમિયાન આઈએસઆઈના વડા હતા. જનરલ બાજવાએ, લેટનન્ટ જનરલ ફૈઝ હમીદને તેમના હોદ્દા પરથી દૂર કર્યાં હતા. તો બીજી તરફ હોદ્દો છોડનાર લેટનન્ટ જનરલ અઝહર અબ્બાસ પણ ઈમરાન ખાનની નજીકના અને વિશ્ર્વાસુ માનવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર, આવનારા નજીકના સમયમાં પાકિસ્તાન સૈન્યના વધુ કેટલાક અધિકારીઓ તેમનો હોદ્દો છોડી શકે છે. ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે ફૈઝ હમીદને આર્મી ચીફ બનાવવા ઈચ્છતા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં જ લેટનન્ટ જનરલ અસીમ મુનીરને આર્મી વડા તરીકે નિમણૂંક કરવાનો નિર્ણય લીધો હતો. ખાસ વાત એ છે કે તેઓ ૨૭ નવેમ્બરે નિવૃત્ત થવાના હતા.લેટનન્ટ જનરલ અસીમ મુનીર ખૂબ જ અનુભવી લેટનન્ટ માનવામાં આવે છે. અસીમ મુનીર લેટનન્ટ જનરલથી ફોર સ્ટાર રેક્ધના અધિકારી છે. તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. હવે લેટનન્ટ જનરલ અસીમ મુનીર પાકિસ્તાન આર્મીનું નેતૃત્વ કરશે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં સત્તામાં રહેલ સરકારોમાં સેનાની બહુ મોટી ભૂમિકા રહી છે. ઈમરાન ખાને પણ પોતાની સરકારને તોડી પાડવા પાછળ સેનાની ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો હતો.
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં જેટલી પણ સરકાર આવી તેટલી સરકારમાં આર્મી ચીફની પોસ્ટિંગ હંમેશા રાજકીય જ રહેવા પામી છે. તાજેતરમાં અસીમ મુનીરની નિમણૂંકની પાછળની ખાસ વાત એ છે કે અસીમ મુનીર ઈમરાન ખાનના કટ્ટર વિરોધી છે. ૨૦૧૮માં ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા ત્યારે અસીમ મુનીર આઈએસઆઈના વડા હતા. તેમણે કથિત રીતે ઈમરાન ખાન ઉપર આક્ષેપ કરતા કહ્યું કે તેમની પત્ની બુશરા બીબી અને તેના પહેલા પતિ અને મિત્રો ભ્રષ્ટાચારથી કરોડોની કમાણી કરે છે.કહેવાય છે કે ઈમરાન ખાને આ નિવેદનને લઈને પત્નિ કે તેના પૂર્વ પતિ પર કોઈ કાર્યવાહી ના કરી, બલ્કે મુનીરને આઈએસઆઈ ચીફના પદ પરથી હટાવી દીધા હતા.
આઈએસઆઈના વડાના હોદ્દા પરથી હટાવ્યા બાદ મુનીર, ઈમરાન ખાનના કટ્ટર વિરોધી બની ગયા હતા. હવે ઈમરાન ખાન સત્તાથી બહાર છે. ત્યારે શાહબાઝ શરીફે રાજકીય રીતે સૈન્યના વડા તરીકે મુનિરની નિમણૂંક કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આર્મી ચીફની નિયુક્તિ બાદ ઈમરાન ખાનની લોંગ માર્ચ પણ લોપ થઈ હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન ઈમરાને તેમની લોંગ માર્ચ પણ રદ્દ કરી દીધી છે. જનરલ બાજવા આવતીકાલ ૨૯ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે, જનરલ બાજવા પણ નહોતા ઈચ્છતા કે ઈમરાન ખાનની નજીકના અધિકારી સૈન્ય પ્રમુખની ખુરશી પામે.