ડરબન, થોડા દિવસ પહેલા સોશ્યલ મીડિયા અપર પાકિસ્તાની ખેલાડીઓની એક તસવીર વાયરલ થઇ રહી હતી જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા પહોંચીને પોતાનું સામાન ઉઠાવતા દેખાઈ રહ્યા હતા. હવે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેલાડીઓ સામાનની ટ્રોલી બેગ માથા પર ઉચકીને ભાગતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો કોઈ અન્ય ટીમના ખેલાડીઓનો નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો છે.
સવારે ભારતીય ખેલાડીઓ હેડ કોચ રાહુલ દ્રવિડ અને સપોર્ટિંગ સ્ટાફ સાથે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા.બીસીસીઆઇએ આ સમગ્ર પ્રવાસનો વીડિયો પણ શેર કર્યો છે. ભારતની ફ્લાઈટ લેન્ડ થતાં જ વરસાદ શરૂ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં વરસાદથી બચવા માટે ખેલાડીઓ માથા પર ટ્રોલી બેગ લઈને દોડતા જોવા મળ્યા હતા. ડરબન પહોંચ્યા બાદ ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના કર્મચારીઓ એન્ટ્રી પર ઉભા રહીને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશને તાળીઓ પાડીને અભિવાદન સ્વીકાર્યું હતું.
ભારતીય ટીમ આ પ્રવાસમાં ૩ મેચની ટી ૨૦ અને વનડે સિરીઝ જયારે ૨ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. T20 સિરીઝ ૧૦ ડિસેમ્બરથી રમાશે, જેના માટે સૂર્યકુમાર યાદવને ટીમની કપ્તાની આપવામાં આવી છે. જયારે વનડે સિરીઝમાં કેપ્ટનશીપ કે.એલ રાહુલને સોંપવામાં આવી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ સિરીઝ માટે આરામની માંગણી કરી હતી. આ બંને ખેલાડીઓ ટેસ્ટ સિરીઝમાં જોવા મળશે.