પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ: પંજાબના ગુરદાસપુરમાં બીએસએફએ ડ્રોન તોડી પાડ્યું

ગુરદાસપુર,

આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન હજુ પણ પોતાની હરક્તોથી બાજ નથી આવી રહ્યું. પાકિસ્તાને ડ્રોન દ્વારા ભારતમાં હથિયાર અને હેરોઈન મોકલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આપણા બહાદુરોએ પાકિસ્તાનના આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં BSF ની ૧૧૩ બટાલિયનના બહાદુર જવાનોને રાત્રે ૨:૧૨ વાગ્યે બોર્ડર પર ડ્રોનની ગતિવિધિની જાણ થઈ હતી.

બીએસએફના જવાનોએ તાબડતોડ ફાયરિંગ કરીને ડ્રોનને તોડી પાડ્યું હતું. જવાનોએ તેના પર ૬૭ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેઓએ તેના પર ૫ ઈલુ બોમ્બ ફેંક્યા હતા ત્યારબાદ ડ્રોન નજીકના સહારન વિસ્તારમાં પડ્યું અને પાકિસ્તાનના આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. BSF ની ૧૧૩ બટાલિયનના બહાદુર જવાનોએ ગઈ કાલે પણ એક ડ્રોનને તોડી પાડ્યું હતું. જવાનોએ તે ડ્રોનમાંથી ૨૦ પેકેટ હેરોઈન, પિસ્તોલ અને દારૂગોળા જપ્ત કર્યા હતા.

ગુરદાસપુર સેક્ટરમાં બીએસએફની ૧૧૩ બટાલિયન પહેલા પણ તરનતારનમાં આવી જ ઘટના જોવા મળી હતી. શુક્રવારની રાત્રે પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં એક ડ્રોન મોકલવામાં આવ્યું હતું જે લગભગ ૧૩ મિનિટ સુધી સરહદ પર દેખાઈ રહ્યું હતું. જ્યારે બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો ત્યારે ડ્રોન પરત ફરી ગયુ હતું.