ઇસ્લામાબાદ,ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણાં લાંબા સમયથી સંબંધો સારા નથી. તાજેતરમાં ભારે રાજકીય ઉથલપાથલ બાદ નવી સરકારની રચના થઈ. હવે નવી શાહબાઝ સરકાર ભારત સાથે ’સારા સંબંધો’ માટે આજીજી કરવા લાગી છે. શાહબાઝ સરકારના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે પાકિસ્તાનનો મોટો વેપારી વર્ગ ભારત સાથે વેપાર શરૂ કરવા ઉત્સુક છે. તેમણે એમ પણ કહ્યું ’પાડોશી બદલી શકાય નહીં.’
ઇશાક ડારે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપ્યો. તેમણે કહ્યું કે કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી. જે પણ થયું તે ખોટું હતું. અમને ઓગસ્ટ ૨૦૧૯માં ભારત દ્વારા કરાયેલી કાર્યવાહી પર ખેદ છે, પરંતુ પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે ફરી એકવાર વેપારને પુન:સ્થાપિત કરવા માંગે છે. આ સંબંધમાં વાતચીત કરવામાં આવશે અને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે બજેટ પહેલા પણ આ અંગે ચર્ચા શરૂ થઈ હતી. સિંગાપોરના માયમથી વેપાર કરવો મુશ્કેલ છે. પરિવહન ખર્ચ વધારે આવે છે અને તેથી જ આ અંગે એક બેઠક યોજવામાં આવશે અને જોવામાં આવશે કે અર્થતંત્રને વેગ આપવા માટે વેપાર અંગે શું કરી શકાય. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. બંને દેશો વચ્ચે વાતચીત બંધ છે અને વેપાર લગભગ સ્થગિત છે.