પાકિસ્તાનની ટીમ ભારત આવવા તૈયાર,સમગ્ર મામલે સરકારના આદેશનું પાલન કરવામાં આવશે.

  • જો પાકિસ્તાનની ટીમને મંજૂરી નહીં મળે તો મેચ તટસ્થ સ્થળોએ યોજવામાં આવશે

નવીદિલ્હી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે અને સીઇઓ જ્યોફ એલાડસ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે. આઇસીસી અધ્યક્ષ અને સીઇઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી ખાતરી મેળવવા લાહોર પહોંચ્યા છે કે તે આ વર્ષે વનડે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમને ભારતના પ્રવાસે મોકલશે. તે સાથે જ આશ્ર્વાસન પણ ઇચ્છે છે કે, પાકિસ્તાન પોતાની મેચો માટે હાઇબ્રિડ મોડલ લાગુ કરવા પર દબાણ નહીં રાખે. પાકિસ્તાની મીડિયા અનુસાર, પીસીબીએ આઈસીસીને સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ તેમની ટીમને ભારતના પ્રવાસ પર મોકલવા માંગે છે, પરંતુ આ સમગ્ર મામલે સરકારના આદેશનું પાલન કરવામાં આવશે.

જો પાકિસ્તાન સરકાર તરફથી આદેશ આવશે તો જ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસે જશે. જો સરકાર ઇનકાર કરે છે, તો પાકિસ્તાનની ટીમ હાઇબ્રિડ મોડલ હેઠળ તેની વર્લ્ડ કપ મેચો અન્ય કોઈપણ દેશમાં રમી શકે છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાશે.

આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોડે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ટીમ તેની મેચો અન્ય કોઈપણ દેશમાં રમી શકે છે. આ જ કારણ છે કે પાકિસ્તાન બોર્ડ પણ આ જ રીતે પોતાનું સ્ટેન્ડ લેવા માંગે છે. હકીક્તમાં, સૂત્રોએ આઇસીસી પ્રમુખ ગ્રેગ બાર્કલે અને સીઈઓ જ્યોફ એલાડસ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી સુનિશ્ર્ચિત કરવા માટે ખાતરી મેળવવા ખાસ કરીને લાહોર પહોંચ્યા છે.

પીસીબી ચીફ નજમ સેઠીએ સ્પષ્ટ કર્યું છે કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. આ પછી જ આઇસીસીના ટોચના અધિકારીઓ પાકિસ્તાનના પ્રવાસે આવ્યા છે.સૂત્રોએ જણાવ્યુ કે, ’આઈસીસી અને વર્લ્ડ કપની યજમાન ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નજમ સેઠીના હાઈબ્રિડ મોડલને લઈને ચિંતિત છે. જોકે સેઠીએ વર્લ્ડ કપ પહેલા યોજાનાર એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલ સૂચવ્યું છે, પરંતુ અધિકારીઓ ચિંતિત છે કે જો આ મોડલને પ્રાદેશિક સ્પર્ધા માટે અપનાવવામાં આવશે તો પીસીબી પાકિસ્તાનને ભારતમાં રમવાની પરવાનગી નહીં આપે. પ્રશ્ર્ન પર,આઇસીસીને આ મોડલને વર્લ્ડ કપમાં પણ લાગુ કરવા માટે કહી શકે છે.

સેઠી પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે, જો પાકિસ્તાન સરકાર સુરક્ષાના કારણોસર ટીમને ભારત મોકલવાની મંજૂરી નહીં આપે તો પીસીબી આઇસીસીને પાકિસ્તાનની મેચ તટસ્થ સ્થળ પર કરાવવાનું જણાવશે. સ્વાભાવિક છે કે આઇસીસી અને બીસીસીઆઇ આવી સ્થિતિ ઇચ્છતા નથી કારણ કે તે ભારત-પાકિસ્તાનની મેચોની સફળતા અને ટૂર્નામેન્ટને પણ અસર કરશે.

અન્ય એક સૂત્રએ જણાવ્યું કે આ જ કારણ છે કે બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલને સ્વીકારી રહ્યાં નથી જેના હેઠળ ત્રણ કે ચાર મેચ પાકિસ્તાનમાં અને બાકીની મેચ યુએઈ અથવા શ્રીલંકામાં યોજાશે. પાકિસ્તાન એશિયા કપનું યજમાન છે અને સેઠી વારંવાર પુનરોચ્ચાર કરી રહ્યા છે કે જો ટુર્નામેન્ટ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે યોજાય તો તેમની ટીમ સ્પર્ધામાં ભાગ લેશે નહીં.

આ સાથે સૂત્રોએ એ પણ સંકેત આપ્યો છે કે, જો પાકિસ્તાન એશિયા કપની કેટલીક મેચોનું આયોજન નહીં કરે તો તેની વિશ્ર્વ કપ પર પણ વિપરીત અસર પડશે. તેમણે કહ્યું,આઇસીસીના પદાધિકારીઓ પીસીબી અને બીસીસીઆઇ વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એશિયા કપ અને વર્લ્ડ કપ સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રયાસ કરી રહ્યા છે.