પાકિસ્તાનની સેનાને ફટકો:આઇએસઆઇના દબાણ સમક્ષ ઝૂકવા પાક. સુપ્રીમનો ઈનકાર

પાકિસ્તાનમાં સત્તાની સાથે ન્યાયપાલિકાને નિયંત્રિત કરવાના પ્રયાસમાં લાગેલા સેનાપ્રમુખ આસિફ મુનીરને મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમકોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ગુપ્તચર એજન્સી આઇએસએઆ દ્વારા જજો મારફતે ઇચ્છા મુજબના ફેંસલા કરાવવાના આરોપોના મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી.

આ દરમિયાન ચીફ જસ્ટિસ (સીજેપી) કાજી ફેઝ ઇશાએ કહ્યું હતું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર કોઇ પણ પ્રહારને ચલાવી લેવાશે નહીં. તેઓએ ન્યાયિક મામલામાં દરમિયાનગીરીની સુનાવણી માટે એક પૂર્ણ અદાલત બનાવવાનો સંકેત આપ્યો હતો. બેન્ચ ઇસ્લામાબાદ હાઇકોર્ટના એવા છ ન્યાયાધીશો દ્વારા મૂકવામાં આવેલા આરોપોમાં સુનાવણી હાથ ધરી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સેના ન્યાયિક મામલામાં બિનજરૂરી દરમિયાનગીરી કરી રહી છે.

સુનાવણીની સ્ટ્રિમિંગ યુટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી. પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે આ સમગ્ર મામલો મુનીર દ્વારા દેશ પર કબજો જમાવવાની અને ઈમરાનને ખતમ કરવાની યોજના સાથે જોડાયેલો છે. સેના પણ ન્યાયતંત્રને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. એક સભ્યના પંચને નાબૂદ કર્યા પછી, મુનીર ખુશ નથી કે સુનાવણી 7 સભ્યોની બંધારણીય બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવે. બીજી બાજુ ઇમરાન પોતાના સમર્થક છ જજને આઇએસઆઇના મામલાને સામે લાવવા માટે મનાવવામાં સફળ રહ્યા છે.

સેના ન્યાયતંત્રમાં સતત દખલ કરી રહી છે, ન્યાયાધીશો પર દબાણ લાવી રહી છે

  • જુલાઈ 2018 : ઈસ્લામાબાદ હાઈકોર્ટના જજ શૌકત અઝીઝ સિદ્દીકી રાવલપિંડી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના એક કાર્યક્રમમાં પહોંચ્યા. ત્યાં તેમણે કહ્યું કે ISI કોર્ટની કાર્યવાહી નક્કી કરી રહી છે. તે એ પણ નક્કી કરી રહી છે કે બેન્ચમાં કોણ જજ હશે અને શું નિર્ણય આવશે.
  • માર્ચ 2023: મોહમ્મદ સાજિદ નામના પૂર્વ ક્રિકેટરે આરોપ લગાવ્યો હતો કે ઈમરાનની પુત્રી છે. તે બ્રિટનમાં રહે છે. પરંતુ ઇમરાને આ માહિતી છુપાવી હતી. તેથી તેમને પાર્ટીમાંથી ગેરલાયક ઠેરવવા જોઈએ. 3 જજોની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જજ સંમત થયા કે કેસ આગળ વધવો જોઈએ. અન્ય બે ન્યાયાધીશોનો અભિપ્રાય વિરુદ્ધ હતો.
  • મે 2023: હાઈકોર્ટના જજના સાળાનું ISI દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેમને તેમનું નિવેદન નોંધાવવાની ફરજ પડી હતી, જે ન્યાયાધીશ સામે હતું.
  • મે 2023 : ઇસ્લામાબાદ હાઇકોર્ટને ફરિયાદ મળી કે એક ડિસ્ટ્રિક્સ્ટ અને નેશનલ જજને ધમકી મળી છે. તેમના ઘરની અંદર ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. મામલો ઇસ્લામાબાદ હાઇકોર્ટના ટી હોલમાં પણ ચર્ચામાં આવ્યો હતો. જોકે તેનો ઉકેલ આવ્યો ન હતો. મામલાને ઉઠાવનાર જજને ડિપોટ કરી દેવામાં આવ્યા હતા.