પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યુ

પાકિસ્તાનની જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત. કોડીનારના દુદાણા ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયાની વોટ્સએપના માધ્યમથી માહિતી મળી. પાંચ દીકરી અને એક પુત્રના પિતાનું મોત થતાં પરિજનો પર આભ ફાટ્યું. પરિવારજનોએ મૃતદેહ માદરે વતન લાવવા માંગ કરી છે.

પાકિસ્તાન જેલમાં અનેક ભારતીય માછીમારો મોતની સજા ભોગવી રહ્યા છે. જેમાં પણ ગીર સોમનાથના લગભગ 70 ટકા માછીમારો છે. પાકિસ્તાન જેલમાં એક પછી એક માછીમારોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે વધુ એક માછીમારે પાકિસ્તાનની જેલમાં દમ તોડ્યો છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે રહેતા અને હાલ પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહેલા ભૂપતભાઈ જીવાભાઈ વાળાનું મોત થયું છે. જેના કારણે તેના પરિવારમાં માતમ છવાયો છે.

પાકિસ્તાન જેલમાં કોડીનાર તાલુકાના વિઠલપુર ગામના માછીમાર હરિભાઈ મૃતક ભૂપતભાઈ જીવાભાઈ વાળા સાથે કરાચીની જેલમાં હતા. જેમણે જેલમાંથી એક ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠી પાકિસ્તાનથી કોઈ પાસે ભૂપતભાઈના પરિજનોના મોબાઈલમાં વો્ટસઅપ કરાવી. જેમાં લખ્યું છે કે તમારી ચિઠ્ઠી ભૂપતભાઈને 6 તારીખના રોજ મળી હતી અને એ વાચી હતી. પરંતુ 8 તારીખે રાત્રે તેને શ્વાસની તકલીફ થતાં અમે અહિંથી મોટી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં 9 તારીખે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. વધુમાં તેમણે જણાવ્યુ કે “અમે તેમનો સામાન અહીથી છૂટશું તે દિવસે સાથે લેતા આવીશું”

જોકે પાકિસ્તાન જેલમાં હજુ પણ અનેક ભારતીય માછીમારો છે અને ત્યાં પૂરતો ખોરાક અને દવા ન મળવાના કારણે માછીમારો બિમાર પડતા હોવાનું મુક્ત થઈ આવતા માછીમારોએ અનેક વખત કહ્યું છે. ત્યારે હજુ બે મહિના પહેલાજ કોડીનાર નાનાવડા ગામના માછીમારનું મોત થતાં મૃતદેહ વતન લવાયો હતો અને તેમના પહેલા કોટડા ગામના માછીમારનો મૃતદેહ પણ લવાયો હતો.