ઇસ્લામાબાદ,પાકિસ્તાનમાં એક તરફ જ્યાં રમઝાનમાં લોકોને મફતમાં લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ કરાચીમાં લોટ મિલ માલિકોએ સરકારને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આવી સ્થિતિમાં જો સિંધ સરકાર આજે તેમની માંગ નહીં સ્વીકારે તો આજે રાતથી લોટ દળતી ઘંટીના માલિકો (આટા મિલો) હડતાળ પર ઉતરશે.
ફ્લોર મિલ્સ એસોસિએશનના પ્રમુખ આમિર ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ખાદ્ય વિભાગના બળજબરીથી વસૂલાતના કારણે કરાચીમાં ઘઉંનું ગંભીર સંકટ ઊભું થયું છે. મિલ માલિકો પાસે ઘઉંનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે અને લોટ મિલોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે કહ્યું કે લગભગ ૩૦ લાખની વસ્તીવાળા કરાચી શહેરમાં ઘઉંના ઉત્પાદનનો કો ઈ સ્ત્રોત નથી. સિંધ અને પંજાબથી અહીં જરૂરિયાત મુજબ ઘઉં આવે છે, પરંતુ સિંધ અને કરાચીના માર્ગ પર ૧૩ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જેના કારણે ઘઉંના પુરવઠામાં સમસ્યા છે.
એસોસિએશને કહ્યું કે તેઓ સિંધ સરકારને ઘઉંની ડિલિવરી પરનો પ્રતિબંધ હટાવવા માટે ૪૮ કલાકનો સમય આપે છે. આવી સ્થિતિમાં જો સિંધ સરકાર તેમની વાત નહીં માને તો શુક્રવાર રાતથી કરાચીની લોટ મિલોમાં કામકાજ બંધ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, આઝાદી બાદ પાકિસ્તાન તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક ગરીબીના કારણે પાકિસ્તાનમાં ભારે મોંઘવારી જોવા મળી રહી છે. રમઝાન મહિનામાં સરકાર દ્વારા અલગ-અલગ સ્થળોએ સેન્ટરો ઉભા કરીને લોકોને મફતમાં લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ લોટની લૂંટ પણ જોવા મળી હતી. કેન્દ્ર સુધી પહોંચે તે પહેલા જ અનેક વાહનો પર લોટના પેકેટો લૂંટી લેવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. બટાકા, ડુંગળી, ટામેટાંપ.સફરજન, કેળા, નારંગી અથવા લોટ, કઠોળ, ચોખા અને દૂધ અને અન્ય રોજિંદી જરૂરી વસ્તુઓ લોકોની પહોંચની બહાર જઈ રહી છે. મોંઘવારી દર ૩૫ ટકાની ઉપર પહોંચી ગયો છે અને સરકારની તિજોરી લગભગ ખાલી છે. આવી સ્થિતિમાં શાહબાઝ શરીફ સરકાર સામાનની આયાત કરવામાં અસમર્થ છે અને તેને ક્યાંયથી પણ પૂરતી મદદ મળી રહી નથી. પાકિસ્તાની ચલણનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે અને પાકિસ્તાની રૂપિયો દરરોજ નવા નીચા સ્તરે પહોંચવાનો રેકોર્ડ બનાવી રહ્યો છે. હાલમાં તે અમેરિકી ડોલર સામે ૨૮૮ના સ્તરે પહોંચી ગઇ છે.