પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર ડેનિશ કનેરિયાએ સૂચન કર્યું છે કે પાકિસ્તાનને મેદાન પર અને મેદાનની બહારના મુદ્દાઓને ઉકેલવા માટે ગૌતમ ગંભીર જેવા કઠિન કોચની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની ટીમનું પ્રદર્શન સારું નથી રહ્યું. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાને મર્યાદિત ઓવરોના ફોર્મેટના કોચ તરીકે ગેરી કર્સ્ટન અને ટેસ્ટ ફોર્મેટના કોચ તરીકે જેસન ગિલેસ્પીની નિમણૂક કરી હતી. જો કે, આ ફેરફાર પણ ટીમ માટે કામ ન કરી શક્યો અને ટીમને ટી ૨૦ વર્લ્ડ કપમાં કારમી હારનો સામનો કરવો પડ્યો અને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ.
પાકિસ્તાનની હારનો સિલસિલો અહીં જ અટક્યો ન હતો, તેને તાજેતરમાં બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે ૦-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. એક ચેનલ સાથે વાત કરતા કનેરિયાએ કહ્યું કે પાકિસ્તાનમાં દરેક વસ્તુને હળવાશથી લેવામાં આવી રહી છે અને તેઓ સતત કેપ્ટન બદલી રહ્યા છે. કનેરિયાએ કહ્યું કે જો તે કોઈને કેપ્ટન બનાવતો હોય તો તેને ઓછામાં ઓછા એક વર્ષ માટે ટીમનું નેતૃત્વ કરવાની છૂટ આપવી જોઈએ અને કોચે કેટલાક કડક નિર્ણયો લેવા જોઈએ.
કનેરિયાએ કહ્યું, દરેક વસ્તુને હળવાશથી લેવામાં આવી રહી છે. એટલા માટે પાકિસ્તાન ક્રિકેટનું પ્રદર્શન ઘટી રહ્યું છે અને તેઓ માત્ર કેપ્ટન બદલી રહ્યા છે. આ કામ નહીં કરે, તમારે તમારા કેપ્ટનને સમર્થન આપવું જોઈએ. એક વર્ષ માટે કેપ્ટનને જવાબદારી આપો, પછી તેને તે એક વર્ષમાં શું કર્યું તે જણાવવા માટે કહો. તેને ખાતરી આપજો કે તને કોઈ કશું કહેશે નહીં, તને મારો પૂરો સાથ છે. જો તમે પ્રદર્શન નહીં કરો, તો તમને દરવાજો બતાવવામાં આવશે. તમારે આવા સખત નિર્ણયો લેવા પડશે. જો તમે મુશ્કેલ નિર્ણયો નહીં લો તો વસ્તુઓ બદલાશે નહીં.
કનેરિયાનું માનવું છે કે ભારત જેવા દેશ એટલા માટે સફળ છે કારણ કે તેમની પાસે ગૌતમ ગંભીર જેવો કોચ છે જે સ્પષ્ટ બોલે છે. તેણે કહ્યું, શા માટે અન્ય ટીમો સારું કરી રહી છે? ભારતીય ટીમ શા માટે સારું કરી રહી છે? તેમની પાસે રાહુલ દ્રવિડ હતો જેણે ટીમ સાથે સારું કામ કર્યું હતું અને હવે તેમની પાસે ગંભીર છે જે એક મહાન ક્રિકેટર અને માનવી છે. તે સ્પષ્ટ બોલે છે. તે પાછા વાત કરતો નથી, તમારે એવું જ હોવું જોઈએ. તમારે મજબુત રહેવું પડશે અને સામેથી જ નિર્ણયો લેવા પડશે.