પાકિસ્તાન નહીં સુધરે અને આતંકવાદીઓને મદદ કરતુ રહેશે તો ભારત યુદ્ધ કરીને પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર છીનવી લેશે, મોદી સરકારના મંત્રી

કેન્દ્રમાં એનડીએની સરકાર સતારૂઢ થયાના બીજા જ દિવસે મોદીના મંત્રીએ પાકિસ્તાનને યુદ્ધની ધમકી આપી દીધી છે. પાકિસ્તાન નહીં સુધરે અને આતંકવાદીઓને મદદ કરતુ રહેશે તો ભારત યુદ્ધ કરીને પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર છીનવી લેશે તેવી ધમકી કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ઉચ્ચારી હતી.

કેન્દ્રની નવી સરકારમાં સામાજીક ન્યાય અને સશક્તિકરણનું મંત્રાલય મેળવનારા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ વૈષ્ણોદેવી જતી શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદીઓએ કરેલા હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભારતમાં આ પ્રકારના હુમલા થતા રહેશે તો ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કરવુ પડશે અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરને આંચકી લેવુ પડશે.

તેઓએ કહ્યું હતું કે મોદી સરકારના શપથગ્રહણ વખતે જ ત્રાસવાદીઓએ હુમલો કર્યો તો પુર્વયોજીત અને ઈરાદાપૂર્વકનો જ હોવાનું માની શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મોદી સરકારના શપથવિધિ વખતે જ કાશ્મીરમાં મોટો ત્રાસવાદી હુમલો થયો હતો. વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પર ત્રાસવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. ચાલકે કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી તેમાં ૧૦ લોકોના મોત થયા હતા અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલાખોર ત્રાસવાદીઓને પકડવા મોટાપાયે સર્ચ ઓપરેશન વચ્ચે તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.

દરમિયાન કાશ્મીરમાં યાત્રાળુઓ સાથેની બસ પર ત્રાસવાદી હુમલાને પગલે મુંબઈ અને દિલ્હીમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. સુરક્ષા એજન્સીઓને એવી શંકા છે કે કાશ્મીર ઉપરાંત ત્રાસવાદીઓ અન્ય ટારગેટને પણ નિશાન બનાવી શકે છે.પાટનગર દિલ્હીમાં ધામક સ્થાનો તથા મોલ-માર્કેટમાં સુરક્ષા વધારવા સુચના આપવામાં આવી છે. કેન્દ્રમાં નવી સરકારના ગઠનને બદલે પડકાર ઉભો કરવા આતંકવાદીઓ મહાનગરમાં હુમલો કરી શકે છે. મુંબઈમાં પણ જાહેર સ્થળો પર વધુ સુરક્ષા જવાનો તૈનાત કરીને સાવધ રહેવાની તાકીદ કરવામાં આવી છે.

કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતી યાત્રાળુ બસ પર ગોળીબાર કરવા ઉપરાંત ત્રાસવાદીઓએ સ્ટીક બોંબનો પણ ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમીક તપાસમાં તારણ નીકળ્યુ છે. ’જે એન્ડ કે ફ્રીડમ ફાઈટર્સ’ નામના ત્રાસવાદી સંગઠને તેની જવાબદારી લીધી છે. ગ્રુપે ગત એપ્રિલમાં ભાજપમાં સરપંચની પણ હત્યા કરી હતી. જો કે, પછી કોઈ ત્યારપછી કોઈ મોટા હુમલાનો બનાવ બન્યો ન હતો.