પાકિસ્તાન નાદાર બની ગયું છે ! રક્ષા મંત્રીએ સેનાના નેતાઓ અને અમલદારોને જવાબદાર ગણાવ્યા

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે દેશ પહેલાથી જ નાદાર થઈ ગયો છે. તેમણે વર્તમાન આર્થિક સંકટ માટે સેના, નોકરશાહી અને રાજકીય નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતા. પોતાના વતન સિયાલકોટમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે પાકિસ્તાને પોતાને સ્થિર કરવા માટે પોતાના પગ પર ઉભા થવાની જરૂર છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફને ટાંકીને કહ્યું કે, તમે સાંભળ્યું જ હશે કે પાકિસ્તાન નાદાર થઈ રહ્યું છે. તે પહેલાથી જ થયું છે. આપણે નાદાર દેશમાં જીવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આપણી સમસ્યાઓનો ઉકેલ દેશની અંદર જ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ નથી. તેમણે કહ્યું કે વર્તમાન આર્થિક દુર્દશા માટે સેના, નોકરશાહી અને રાજકીય નેતાઓ સહિત દરેક જણ જવાબદાર છે કારણ કે પાકિસ્તાનમાં કાયદા અને બંધારણનું પાલન થતું નથી.

અગાઉની સરકાર પર પ્રહાર કરતા આસિફે કહ્યું કે અઢી વર્ષ પહેલા આતંકવાદીઓને પાકિસ્તાનમાં લાવવામાં આવ્યા હતા, જેના પરિણામે આતંકવાદની વર્તમાન લહેર આવી છે. શુક્રવારે કરાચીમાં પોલીસ ઓફિસ પર થયેલા હુમલા અંગે તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરોનો હિંમતપૂર્વક સામનો કર્યો.

આ દરમિયાન ગંભીર રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વાર્ષિક ફુગાવાનો દર આ સપ્તાહે વધીને રેકોર્ડ ૩૮.૪૨ ટકા પહોંચી ગયો છે. આવશ્યક ચીજવસ્તુઓની કિંમતોમાં સતત વધારાને કારણે પાકિસ્તાનમાં મોંઘવારી આ સ્તરે પહોંચી ગઈ છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને’ શનિવારે પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના હાલના ડેટાના હવાલાથી એક રિપોર્ટમાં કહ્યું હતું કે ટૂંકા ગાળાના ફુગાવાને માપતો સંવેદનશીલ ભાવ સૂચકાંક (એસપીઆઈ) આ સપ્તાહે વાર્ષિક ધોરણે વધીને ૩૮.૪૨ ટકા થયો છે.

સાપ્તાહિક ધોરણ પર એસપીઆઈમાં ૨.૮૯ ટકાનો વધારો થયો છે, જ્યારે ગયા સપ્તાહે ૦.૧૭ ટકાનો વધારો થયો હતો. ગયા સપ્તાહે વાષક સ્તર પર એસપીઆઈ ફુગાવો ૩૪.૮૩ ટકા નોંધાયો હતો. ફુગાવામાં આ વધારો પાકિસ્તાન સરકાર દ્વારા નવા ટેક્સ લાદવા અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારાને કારણે થયો છે. સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી ૧.૧ અરબ ડોલરની મદદ મેળવવાની શરતે આ પગલું ઉઠાવ્યું છે.