પાકિસ્તાનના વડાપ્રધાન-મંત્રીઓ વેતન નહીં લે:પાકિસ્તાનના વડાપ્રધાને સરકારી ખર્ચમાં ઘટાડા કરવા બાબતની જાહેરાતો કરી હતી

ઇસ્લામાબાદ,

કંગાળ થયેલા પાકિસ્તાનને બચાવવા માટે હવે માત્ર ૩ અબજ ડોલરની ફોરેન રિઝર્વ (થાપણો) સાથે છેલ્લા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે રાત્રે સરકારી ખર્ચમાં ધરખમ ઘટાડા સાથે જોડાયેલ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું- હું અને બાકીના કેબિનેટ મંત્રીઓ વેતન લઈશું નહીં. તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમના ખિસ્સામાંથી વીજળી, પાણી, ગેસ અને ટેલિફોનનું બિલ ચૂકવશે.

શરીફના જણાવ્યા અનુસાર – મંત્રીઓ પાસે રહેલા લક્ઝરી ગાડીઓની હરાજી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નોકરશાહીના ખર્ચમાં પણ મોટા કાપની જાહેરાત કરવામાં આવી છે.

જો કે, આશ્ર્ચર્યની વાત એ છે કે દેશની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી (૭૬ વર્ષ), શરીફે લગભગ અડધો સમય દેશને ચલાવનાર શક્તિશાળી સેનાના બજેટ પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તે પણ જ્યારે તેનું અબજો રૂપિયાનું બજેટ છે.

વઝીર-એ-આઝમ (વડાપ્રધાન) શરીફે ઘણા કેબિનેટ મંત્રીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું- ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની શરતોને પહોંચી વળવા માટે સરકારી ખર્ચમાં મોટો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સામાન્ય જનતા માટે પણ આ એક સંદેશ છે. આ ખર્ચા ઘટાડવાના પગલાં છે.

શરીફે કહ્યું- અમે સરકારના ખર્ચમાં ઘટાડો કરીને કરદાતાઓના લાખો રૂપિયા બચાવીશું. આ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને અમે કોઈપણ દબાણ વિના આ નિર્ણય જાતે લીધો છે.

પ્રથમ: પાકિસ્તાનમાં બે ઇડાર (વિભાગ) પાસે સરકાર કરતાં વધુ શક્તિ અને સત્તા છે. આ છે- આર્મી અને જ્યુડિશિયરી. શરીફની પ્રેસ કોન્ફરન્સમાં જ્યુડિશિયરીને ખર્ચ ઘટાડવા અને સાદગી જાળવવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ શાહબાઝના મોંમાંથી સેના વિશે એક શબ્દ પણ નીકળ્યો નહોતો.

બીજી: વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે સેનાનું નામ લીધા વિના કટાક્ષ કર્યો. કહ્યું- કોઈને છોડવા હતા, તેથી જ તેને છોડી દેવામાં આવ્યો. વઝીર-એ-આઝમે એવા લોકોના નામ પણ લેવાનું ટાળ્યું કે જેમનાથી ભય કે જોખમ છે. જો કે શાહબાઝ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશની શું અસર પડે છે તે જોવું રહ્યું. ૧૩ પક્ષોના શાસનમાં કોણ તેમને કેટલું સમર્થન આપશે. તે એક અઠવાડિયામાં સ્પષ્ટ થશે.

વિદેશ મંત્રાલયને ખર્ચમાં ૧૫% ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક દેશોમાં એમ્બેસી બંધ થઈ શકે છે. આ ઉપરાંત સ્ટાફ ઘટાડવા અને નકામા ખર્ચને સખ્તાઈથી રોકવાના પણ આદેશ છે.વિદેશ મંત્રાલયને કહેવામાં આવ્યું છે કે કેટલાક વિદેશી મિશન (દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ) બંધ કરવામાં આવે. આ સિવાય આ મિશનમાં તહેનાત સ્ટાફને પણ ઘટાડવો જોઈએ અને અન્ય બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરવો જોઈએ.

રિપોર્ટ્સ અનુસાર- વિદેશ મંત્રાલયને ખર્ચમાં ૧૫% ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સંબંધમાં વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ દ્વારા પણ આદેશ જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાને સરકારી ખર્ચ ઘટાડવા માટે એક સમિતિની રચના કરી છે, કારણ કે આ સમયે અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. આ જ સમિતિએ વિદેશ મંત્રાલયના ખર્ચમાં ૧૫% ઘટાડો કરવાની ભલામણ કરી હતી. આ પછી આદેશ જારી કરવામાં આવ્યો હતો.