પાક.ના નારાજ સેના અધિકારી આતંકવાદી સંગઠનમાં જોડાયા

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં સેના અને સુરક્ષાદળોને નિશાન બનાવનાર આતંકી સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન મજબૂત બની રહ્યું છે. સરકારીની નીતિઓથી અસંતુષ્ટ એવા સેનાના અધિકારીઓ તેની સાથે જોડાઈ રહ્યા છે. બળવાખોરોમાં સેનાની સાથે નેવી અને એરફોર્સના અધિકારીઓ પણ આતંકી સંગઠનને સમર્થન આપી રહ્યા છે. ટીટીપીએ આ લોકોના નામ જેહાદી ચેનલ ‘તકબીર મીડિયા’માં પર વીડિયો મારફતે જાહેર કર્યા છે. વીડિયોમાં નામની સાથે ફોટા પણ બતાવવામાં આવ્યા છે.

એક સુરક્ષા વિશ્લેષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ટીટીપીએ અબ્બાસીના નામને ગુપ્ત રાખ્યું છે. અબ્બાસીની તાલિબાન સાથેની સાંઠગાંઠ વિશેની માહિતી તે સમયે પણ જાહેર કરાઇ ન હતી જ્યારે તેને કોર્ટ માર્શલ કરાયું હતું. બળવાના નિષ્ફળ પ્રયાસને તેને “ઓપરેશન ખિલાફ” નામ આપ્યું હતું અને તેની મુક્તિ પછી મુશર્રફના કહેવાથી ૧૯૯૯માં ‘હિઝબ અલ્લાહ પાકિસ્તા’ નામની ધાર્મિક -રાજકીય પાર્ટીની રચના હતી. તે ઇસ્લામિક વ્યવસ્થા લાગુ કરવા માગતી હતી.

બીજી તરફ એક સુરક્ષા વિશ્લેષકે પ્રતિબંધિત ટીટીપીમાં સામેલ સેનાના જવાનો મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ તાલિબાનો દ્વારા અધિક સશસ્ત્રદળોના કર્મીઓની ભરતી કરવાનો એક પ્રયાસ છે. અદનાન રાશિદ કેટલો ઘાતક હતો તે આપણે જોઈ ચૂક્યા છીએ. તેમણે કહ્યું કે સુરક્ષાદળો આ કથિત ભાગેડુઓને તેમની વિરુદ્ધ અભિયાન ચલાવીને ખતમ કરવાનો પ્રયાસ કરશે.

આ યાદીમાં મેજર જનરલ (નિવૃત્ત) ઝહીર ઉલ ઈસ્લામ અબ્બાસીનું નામ પણ સામેલ છે. સિયાચીન વિસ્તારમાં પોસ્ટિંગ દરમિયાન તેણે ભારતીય સેનાની ચોકીઓ પર હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપ્યો. અબ્બાસીને ૧૯૯૫માં બેનઝીર ભુટ્ટોની સરકાર સામે બળવાના પ્રયાસમાં સામેલ થવા બદલ ૭ વર્ષની સજા થઈ હતી.

આર્મી મેજર આદિલ કદ્દૂસ, તારિક મજીદ, કેપ્ટન તારિક મિર્ઝા, સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ નાઈક અરશદ, નાઈક ઉસ્માન અકીલ, મેડિકલ કોર્પ્સ જુનિયર ટેક્નિશિયન ઝહીર, જુનિયર ટેક નિયાઝ મુહમ્મદ, અબ્દુલ રઉફ, ઈસ્લામ સિદ્દીકી. નેવી: લેફ્ટનન્ટ . અવૈસ ઝાકરાણી, લે. ઝીશાન રફીક, અબ્દુલ વદુદ. એરફોર્સ: ચીફ ટેક ખાલિદ મેહમૂદ, અર્ધલશ્કરી કોન્સ્ટેબલ મલક.

તકબીર મીડિયા ટીટીપીમાં સામેલ થયેલા પૂર્વ એરફોર્સ અધિકારી અદનાન રશીદ સાથે જોડાયેલ હોવાનું મનાય છે. રશીદ ૨૦૦૩માં તત્કાલીન રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ પર થયેલા હુમલામાં પણ સામેલ હતો. વઝીરિસ્તાનમાં એક ઓપરેશનમાં ધરપકડ થઇ હતી. ત્યારબાદ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેને તાલિબાન દ્વારા જેલ બ્રેકમાં છોડાવવામાં આવ્યો હતો.