પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું ૭૯ વર્ષની વયે બિમારીને કારણે નિધન થયું

નવીદિલ્હી,

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે યુએઇખાતેની અમેરિકન હોસ્પિટલમાં નિધન થયું છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં તેમના પરિવારના સભ્યોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ભૂતપૂર્વ ફોર-સ્ટાર જનરલ એમીલોઇડિસિસને કારણે મૃત્યુ પામ્યા હતા. અહેવાલો મુજબ, તેમને બિમારીને કારણે થોડા અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વર્ષ ૧૯૯૮માં પરવેઝ મુશર્રફ જનરલ બન્યા હતા. તેઓએ ભારત સામે કારગીલ જેવા યુદ્ધનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ ભારતના બહાદુર સૈનિકોએ તેમની દરેક ચાલને નિષ્ફળ બનાવી દીધી. જનરલ મુશર્રફે તેમની જીવનચરિત્ર ‘ઇન ધ લાઇન ઓફ ફાયર  અ મેમોઇર’માં લખ્યું છે કે તેમણે કારગીલને કબજે કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ નવાઝ શરીફના કારણે તેઓ આમ કરી શક્યા નહીં.

ગત જૂન મહિનામાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની સ્થિતિ ખૂબ નાજુક છે અને તેમનું નિધન થયું છે તેવી અફવા ફેલાઈ હતી. જોકે ત્યારપછી પરિવારે ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે કે, હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની રિકવરી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેમના પરિવારે માહિતી આપી છે કે, હવે તેઓ વેન્ટિલેટર પર નથી. તેમની બીમારી એમાઈલોયડોસિસના કારણે તેઓ છેલ્લાં ૩ સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ ગંભીર છે. તેમની રિકવરી મુશ્કેલ છે. તેમનાં એક એક અંગ ફેઈલ થઈ રહ્યાં છે. તેમના માટે દુઆ કરો. ૭૮ વર્ષીય પરવેઝ મુશર્રફ વર્ષ ૧૯૯૯થી ૨૦૦૮ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી હતી.