’પાકિસ્તાનના નેતા રાહુલ ગાંધીના વખાણ કરે એ ચિંતાનો વિષય’, રાજનાથ સિંહે કોંગ્રેસ પાસે માંગ્યો જવાબ

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીને લઈ પ્રચાર ચરમસીમાએ છે. આ દરમિયાન હવે પાકિસ્તાન નેતાએ રાહુલ ગાંધીના વખાણ કર્યા બાદ હવે રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના વખાણ કરીને તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. વાસ્તવમાં આ વખાણ બાદ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર સતત પ્રહારો કરી રહી છે. ભાજપ આ મુદ્દે રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગી રહી છે. હવે રક્ષા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે પણ આ મામલે એન્ટ્રી કરી છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાનના પૂર્વ મંત્રી રાહુલ ગાંધીના વખાણ કરે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે કોઈ તાકાત નથી જ્યારે તેમની પાર્ટી ચૂંટણીના ફાયદા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ કરીને આગ સાથે રમી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ધાર્મિક આધાર પર તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા માંગે છે. તેઓ મુસ્લિમ સમુદાયને માત્ર વોટબેંક તરીકે જુએ છે. કોંગ્રેસને સૂચન આપતાં રાજનાથ સિંહે કહ્યું કે મારું તેમને એક સૂચન છે, માત્ર સરકાર બનાવવા માટે રાજનીતિ ન કરવી જોઈએ. રાજકારણનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર નિર્માણ હોવો જોઈએ. તેમણે ફરીથી ભાજપ માટે મોટી જીતનો દાવો કર્યો.

હકીક્તમાં પાકિસ્તાની નેતા અને ઈમરાન ખાન સરકારમાં મંત્રી ચૌધરી ફવાદ હુસૈન છેલ્લા એક સપ્તાહમાં બે વખત રાહુલ ગાંધીના વખાણ કરી ચૂક્યા છે. ફવાદ હુસૈને શનિવારે ઠ પર લખ્યું (૪ મે, ૨૦૨૪) ફવાદ હુસૈને લખ્યું કે, સમસ્યાઓ સમાન છે. રાહુલ સાહેબે તેમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, ૩૦ કે ૫૦ પરિવારો ભારતનો ૭૦% હિસ્સો ધરાવે છે. આ સંપત્તિ પાકિસ્તાનમાં છે જ્યાં માત્ર પાક બિઝનેસ કાઉન્સિલ નામની બિઝનેસ ક્લબ અને કેટલાક રિયલ એસ્ટેટ મેગ્નેટ પાકિસ્તાનની ૭૫% સંપત્તિ ધરાવે છે… સંપત્તિનું યોગ્ય વિતરણ મૂડીવાદનો સૌથી મોટો પડકાર છે.