લંડન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને વિરોધ વચ્ચે એક કાશ્મીરી સંગઠને જાહેરાત કરી છે કે જ્યાં સુધી પીઓકેના લોકોને તેમનો અધિકાર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. બ્રિટન સ્થિત યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે પીઓકેમાં લોકો દાયકાઓથી તેમના મૂળભૂત અધિકારોથી વંચિત છે અને આ ક્ષેત્રના કુદરતી સંસાધનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોટની વધતી કિંમતો, વધતી મોંઘવારી અને મોંઘી વીજળીના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે પીઓકેમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણી અરાજક્તા જોવા મળી હતી. પાકિસ્તાને ભીડને કાબૂમાં લેવા માટે સેના અને પોલીસ તૈનાત કરી હતી અને પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦ થી વધુ ઘાયલ થયા હતા. અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે લોકોમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો હતો. આખરે પાકિસ્તાન સરકારે ઝૂકવું પડ્યું અને તરત જ ૨૩ અબજ પાકિસ્તાની રૂપિયાની આથક સહાયની જાહેરાત કરી. હાલમાં વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ છે, પરંતુ હિંસાના છૂટાછવાયા બનાવો હજુ પણ બની રહ્યા છે.
યુકે સ્થિત યુકેપીએનપી (યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે હિંસા ફાટી નીકળ્યા પછી અર્ધલશ્કરી દળોને તૈનાત કરવો એ અમાનવીય નિર્ણય છે.યુકેપીએનપીએ પીઓકેમાં મોટી સંખ્યામાં સૈન્ય દળોને ફરીથી તૈનાત કરવાનો ભય વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આનાથી લોકોને વધુ દબાવવામાં આવશે.યુકેપીએનપીએ વિરોધ પ્રદર્શન પાછળ ભારત, તાલિબાન પીટીઆઇ, બલૂચ લિબરેશન આર્મી અને કથિત યહૂદી લોબીના વિદેશી ભંડોળ અને સંડોવણીના અહેવાલોને ફગાવી દીધા. યુકેપીએનપી વિદેશ બાબતોના અયક્ષ શબીર ચૌધરીએ પાકિસ્તાનના નેતાઓ, મીડિયા અને ગુપ્તચર એજન્સીઓ પર પ્રચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો.
યુકેપીએનપીએ માંગ કરી હતી કે પીઓકેમાં નેશનલ ગ્રીડ બનાવવામાં આવે, જેથી કરીને સ્થાનિક વહીવટીતંત્ર રાજ્યમાં વીજ ઉત્પાદન અને વિતરણ પર નિયંત્રણ મેળવી શકે. આ ઉપરાંત કુદરતી સંસાધનો અને જળ સંસાધનો પર પણ સ્થાનિક વહીવટીતંત્રનું નિયંત્રણ હોવું જોઈએ. સ્થાનિક વહીવટીતંત્રને વધુ સત્તા આપવાની માંગણી કરવામાં આવી છે.