ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. પહેલા પાકિસ્તાન અમેરિકાના અપસેટનો શિકાર બન્યું અને ત્યારબાદ તે ટીમ ઈન્ડિયા સામે જીતેલી મેચ હારી ગયું. આ ટીમ નિશ્ર્ચિતપણે કેનેડા સામે જીતી હતી પરંતુ તેમના માટે ટી ૨૦ વર્લ્ડ કપના સુપર ૮માં પહોંચવું હજુ પણ મુશ્કેલ છે. જો કે, જો પાકિસ્તાની ટીમ સુપર-૮માં નહીં પહોંચે તો ઘણા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. જો કે, મોટો સવાલ એ છે કે બાબર આઝમનું શું થશે? પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીસીબીએ બાબરના ભવિષ્ય અંગે નિર્ણય લઈ લીધો છે.
જિયો ન્યૂઝના સમાચાર મુજબ, પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન છતાં બાબર આઝમને સુકાની પદ પરથી હટાવવામાં આવશે નહીં. પીસીબીએ બાબર આઝમને કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો બાબર આઝમને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ સુધી ટીમની કમાન સોંપવામાં આવી છે અને તે ટૂર્નામેન્ટના પરિણામ પછી જ આ ખેલાડીની કેપ્ટન્સી નક્કી કરવામાં આવશે. હાલમાં જ પીસીબી ચીફ મોહસીન નકવીએ પાકિસ્તાની ટીમમાં ફેરફાર અંગે વાત કરી હતી, જે બાદ ટીમ મેનેજમેન્ટમાં ગભરાટ ફેલાયો હતો. નકવીએ હવે આ કડક નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નકવીએ કહ્યું છે કે તેઓ ટીમ સાથે ઉભા છે.
પાકિસ્તાની ટીમ માટે આગામી રાઉન્ડમાં પહોંચવું મુશ્કેલ છે. વાસ્તવમાં તેમની મેચ પર વરસાદનો ખતરો છે. જો કે પાકિસ્તાન તેની છેલ્લી મેચ પહેલા જ ટી ૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. કારણ કે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ શકે છે. આ મેચ લોરિડામાં યોજાવાની છે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ પૂર આવ્યું છે અને ઈમરજન્સી પણ જારી કરવામાં આવી છે. જો આ મેચ ધોવાઈ જશે તો અમેરિકાને વધુ એક પોઈન્ટ મળશે અને પાકિસ્તાન સુપર-૮માંથી બહાર થઈ જશે. જ્યારે અમેરિકા અને ટીમ ઈન્ડિયા ગ્રુપ એમાંથી આગળના રાઉન્ડમાં પહોંચશે.