જમ્મુ-કાશ્મીરને કલમ ૩૭૦ અને ૨૫-એથી મુક્તિ અપાવ્યે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં છે. આ ઐતિહાસિક પરિવર્તન બાદ જમ્મુ-કાશ્મીરના પરિવેશમાં આવેલ ગુણાત્મક પરિવર્તને ત્યાં અલગતાવાદને હડસેલીને વિકાસ અને રોજગાર સંબંધી સંભાવનાઓ પેદા કરી છે. પરિવારવાદી રાજનીતિને હાંશિયામાં ધકેલીને નવું વિકાસોન્મુખ નેતૃત્વ ઊભું થવા લાગ્યું છે. લોક્સભા ચૂંટણીમાં થયેલ બમ્પર વોટિંગ બાદ પાકિસ્તાનને આશંકા સતાવી રહી છે કે જો વિધાનસભા ચૂંટણીઓમાં પણ એવું થયું તો તેનાથી એમ માનવામાં આવશે કે કાશ્મીરી જનમાનસે ભારત સાથે પોતાના ભવિષ્યને જોડીને આગળ વધવાનો નિર્ણય લઈ લીધો છે.
સ્વાભાવિક છે કે રાજ્યમાં આ સકારાત્મક બદલાવ પાકિસ્તાનને કઠી રહ્યો છે. એ જ કારણ છે કે ત્યાં તેણે આતંકવાદને નવેસરથી ધાર આપવાનું શરૂ કરી દીધું છે. એવા સમાચારો છે કે પાકિસ્તાન રાજ્યમાં મોટી ઘૂસણખોરીનું ષડયંત્ર કરી રહ્યું છે. કહેવાય છે કે મુઝફરાબાદમાં છસો એસએસજી કમાન્ડોની યુનિટ લાવવામાં આવી છે. એમાં તેમના કમાંડિંગ ઓફિસર સઇદ સલીમ જંજુઆનું નામ પણ ખૂલ્યું છે.
થોડા વખત પહેલાં આતંકીઓએ જમ્મુના રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર હુમલા બાદ કઠુઆ અને ડોડામાં સૈન્ય દળો પર હુમલો કર્યો. ભારતીય સીમાની આટલી અંદર આવીને આક્રમણથી સ્પષ્ટ છે કે આતંકીઓ ઉચ્ચ સ્તરે પ્રશિક્ષિત છે. ભારત સરકારે નોંધ લેતાં બીએસએફના ઉચ્ચાધિકારીઓને હટાવી દીધા છે. જમ્મુ-કાશ્મીર હવે કોઈ આંતરરાષ્ટ્રીય મુદ્દો નથી રહ્યો, તેથી પાકિસ્તાનનો ઉદ્દેશ્ય તેને કોઈપણ રીતે આંતરરાષ્ટ્રીય પરદૃશ્ય પર નવેસરથી ઉભારવાનો છે.
પાકિસ્તાનને ચીનનો સાથ મળેલો છે. અમેરિકાની મહેરબાનીને કારણે આઇએમએફથી મળેલી આથક મદદે પાકિસ્તાની અર્થવ્યવસ્થાને થોડી-ઘણી રાહત પણ આપી દીધી છે. અમેરિકાના પાકિસ્તાન પ્રેમનું પ્રગટ લ-ય તો તેને ચીનથી દૂર કરવાનું છે, પરંતુ તેના માટે ભારતને નિયંત્રિત કરવા માટે પણ પાકિસ્તાનને જીવિત રાખવું અને કાશ્મીરને એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી રાખવો જરૂરી છે. વડાપ્રધાન મોદીની રશિયા યાત્રા બાદ અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતની રણનીતિક સ્વાયત્તતાના તર્ક પર રશિયા-યુક્રેન યુદ્ઘનો હવાલો આપતાં કહ્યું હતું કે યુદ્ઘકાળમાં એવી કોઈ સ્વાયત્તતા હોતી નથી અને અમારા સંબંધ ગાઢ તો છે, પરંતુ એટલા પણ ગાઢ નથી કે તમે જે ઇચ્છો તે કરી નાખો.
આ નિવેદન ઓછું અને ચેતવણી વધારે હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. અમેરિકા સાથે ભારતના સંબંધોમાં હાલમાં ઉષ્માનો અભાવ દેખાઈ રહ્યો છે. એવા કેટલાક સંકેત પણ છે કે તેણે ભારતીય ચૂંટણીઓને પ્રભાવિત કરવાની પણ કોશિશ કરી. આ બધાથી પાકિસ્તાનનો આત્મવિશ્ર્વાસ વધી ગયો છે.
પાકિસ્તાનની તાજી હરક્તોથી તેની સાથે સંઘર્ષ વિરામની કોઈ ઉપયોગિતા નથી રહી. પાકિસ્તાની શાસક પોતાની જનતાને ભરમાવતા આવ્યા છે કે કાશ્મીર તો તેમની ‘ગળાની નસ’ છે અને તેને તે લઈને જ રહેશે. મશહૂર પાકિસ્તાની પત્રકાર અખ્તર નિસારે પાકિસ્તાની સેના પર વ્યંગ્ય કરતાં કહ્યું હતું કે આ કેવી ધોરી નસ છે, જેના વગર આપણે સિત્તેર વર્ષથી જીવિત છીએ? પાકિસ્તાની સેનાને હવે સ્થાનિક સ્તર પર પડકારો મળવા લાગ્યા છે. તેનો ફરેબ ખતમ થઈ ગયા બાદ તે પાકિસ્તાનના લોક્તાંત્રિક પક્ષોને કેવી રીતે નિયંત્રિત કરી શકશે?
કાશ્મીર મુદ્દાના વિવાદિત ન રહેવાથી પાકિસ્તાનને ગૃહયુદ્ઘના એ આશંક્તિ પરિદૃશ્યથી કોણ રોકી શકશે, જેની પઠાણ અને બલોચ ક્ષેત્રોમાં અત્યારથી જ ઝલક જોવા મળી રહી છે? હવે પાકિસ્તાની શાસકો સામે એ જ ઉપાય બચ્યો છે કે તેઓ આંતરિક સ્થિતિઓથી આમ જનતાનું ધ્યાન હટાવીને ભારત અને હિંદુ શત્રુતાના એજન્ડાનો ઉપયોગ કરે. તેમણે કારગિલમાં જોયું છે કે ભારત સમગ્ર નિયમ-કાયદાથી યુદ્ઘ લડે છે. વિવાદિત અને બીજાના ગેરકાયદે કબ્જાવાળા ક્ષેત્રોમાં, ચાહે તે કાશ્મીર જ કેમ ન હોય, ભારત પ્રવેશ નથી કરતું. તેથી એવા સીમિત યુદ્ઘનાં પરિણામોથી તેની સામે કોઈ અસ્તિત્વનું સંકટ પેદા નથી થવાનું. તેની સાથે જ ચીન અને અમેરિકાને કૂટનીતિની એક મોટી સંભાવના દેખાશે. આ રીતે સંયુક્ત રાષ્ટ્ર અને મુસ્લિમ દેશોના સહયોગથી કાશ્મીરને પાછા આંતરરાષ્ટ્રીય વિવાદના કેન્દ્રમાં લાવવું સંભવ થઈ શકશે.