પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પીટીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશી ચૂંટણી લડી શકશે નહીં

પાકિસ્તાનમાં હાલમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે અને મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) આરોપ લગાવી રહી છે કે તેમને ચૂંટણીમાં લડવા દેવામાં નથી આવી રહી. આ આરોપ પર પાકિસ્તાનના ચૂંટણી પંચે રવિવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આવતા મહિને 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના 76 ટકા ઉમેદવારોના નામાંકન પત્રો સ્વીકારવામાં આવ્યા છે.

જો કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પીટીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશી ચૂંટણી લડી શકશે નહીં કારણ કે તેમની ઉમેદવારી ફગાવી દેવામાં આવી છે.

પાકિસ્તાનના ચૂંટણી પંચે પીટીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અવમાનના અરજીના જવાબમાં કોર્ટમાં ડેટા રજૂ કર્યો હતો. પીટીઆઈએ દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો છતાં ચૂંટણી પંચ ચૂંટણીમાં સમાન તક આપી રહ્યું નથી. ECPએ જણાવ્યું હતું કે નેશનલ એસેમ્બલી માટે PTI ઉમેદવારોના કુલ 843 નામાંકન પત્રોમાંથી 598 સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે પ્રાંતીય એસેમ્બલી ચૂંટણી માટે 1,777 ઉમેદવારોમાંથી 1,398 મંજૂર કરવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે પીટીઆઈ ઉમેદવારોના 76.18 ટકા નામાંકન પત્રોને સ્વીકૃતિ આપી છે. કમિશને એમ પણ કહ્યું કે પીટીઆઈ પાસે એપેલેટ ઈલેક્શન ટ્રિબ્યુનલ સમક્ષ ઉમેદવારોના નામંજૂર સામે અપીલ કરવાનો પણ અધિકાર છે. તેમણે એમ પણ કહ્યું કે ડેટા દર્શાવે છે કે પીટીઆઈના ઉમેદવારો અને સમર્થકોને સમાન તક આપવામાં આવી છે.

બીજી તરફ આજે રવિવારે પાકિસ્તાનના મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશી ચૂંટણી લડી શકશે નહીં. ચૂંટણી પંચ દ્વારા 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે કુરેશીને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, શનિવારે એક એપેલેટ ચૂંટણી ટ્રિબ્યુનલે કુરેશીના નામાંકન પત્રો નકારવા સામેની અપીલને ફગાવી દીધી હતી. જ્યારે કુરેશીને સિંધના ઉમરકોટ શહેરમાં એનએ-214 મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી. પંજાબ પ્રાંતના મુલતાનમાં એપેલેટ ઇલેક્શન ટ્રિબ્યુનલે બે નેશનલ એસેમ્બલી અને ઘણી પંજાબ એસેમ્બલી સીટો માટે તેમના નામાંકન પત્રો નકારવાના રિટર્નિંગ ઓફિસર (RO)ના નિર્ણય સામેની તેમની અપીલને ફગાવી દીધી હતી.

67 વર્ષીય કુરેશી હાલમાં સાઇફર કેસમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પૂર્વ વિદેશ મંત્રીએ મતવિસ્તાર NA-150 મુલતાન-III, NA-151 મુલતાન-IV અને PP-218, PP-219 માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા.