મુંબઇ,આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપનું આયોજન માત્ર પાકિસ્તાનમાં જ થઈ શકે છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, ટૂર્નામેન્ટની મોટાભાગની મેચો પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારતીય ટીમની જેટલી પણ મેચીઝ હશે યુએઈ, ઓમાન અથવા શ્રીલંકામાંથી કોઈ એકમાં શિફ્ટ થઈ શકે છે.આ વખતે એશિયા કપ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાવાનો છે. ૧૩ દિવસ સુધી ચાલનારી ૬ ટીમોની આ ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ ૧૩ મેચો રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ક્વોલિફાય થયા બાદ એક ટીમ તેમની સાથે પહોંચશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે.
ભારતીય ટીમ એશિયા કપના પ્રારંભિક તબક્કામાં ૨ મેચ રમશે. એક મેચ જીતવા પર ટીમ સુપર-૪ સ્ટેજમાં પહોંચી જશે, જ્યાં તેને ૩ મેચ રમવાની રહેશે. જો ટીમ ઈન્ડિયા પણ ફાઈનલમાં પહોંચે છે તો તે ટૂર્નામેન્ટમાં કુલ ૬ મેચ રમશે. જો ભારત ફાઇનલમાં પહોંચે તો તે મેચ પણ ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવામાં આવશે.
ન્યુટ્રલ વેન્યુમાં યુએઈ, ઓમાન અને શ્રીલંકા ઉપરાંત ઈંગ્લેન્ડનું નામ પણ સામે આવી રહ્યું છે કારણ કે ઈંગ્લેન્ડમાં ભારત-પાક મેચ જોવા મોટી સંખ્યામાં દર્શકો પહોંચે છે. જોકે, ઈંગ્લેન્ડને યજમાન અધિકાર મળવાની આશા ઓછી છે, કારણ કે એશિયા કપ અને આઈપીએલની મેચો સપ્ટેમ્બર દરમિયાન અને ઓમાનમાં યોજાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં એશિયાનો કોઈ દેશ જ ભારતની મેચોની યજમાની કરે તેવી અપેક્ષા છે.
ગયા અઠવાડિયે, એશિયન ક્રિકેટ કાઉન્સિલએ પાકિસ્તાનમાં એશિયા કપ યોજવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં અંતિમ સ્થળ નક્કી થઈ શક્યું ન હતું, પરંતુ આ બેઠક પછી પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ACC સભ્યો વચ્ચે અનૌપચારિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, એશિયા કપમાં ભારત સિવાય બાકીના ૫ દેશોની મેચો માત્ર પાકિસ્તાનમાં જ યોજાશે, પરંતુ ટીમ ઈન્ડિયાની મેચો ન્યુટ્રલ વેન્યુ પર યોજાશે.
ટુર્નામેન્ટમાં કુલ ૬ ટીમો ભાગ લેશે. ભારતીય ટીમના ગ્રુપમાં પાકિસ્તાન સિવાય એક ટીમ ક્વોલિફાયર સ્ટેજમાંથી પહોંચશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં હશે. બંને ગ્રુપમાંથી ટોપ-૨ ટીમ સુપર-૪ સ્ટેજમાં પહોંચશે.
ભારત અને પાકિસ્તાન સુપર-૪ સ્ટેજમાં પહોંચે તો બંને ટીમો ફરી એકવાર ટકરાશે. સુપર-૪ તબક્કાની ટોપ-૨ ટીમો ફાઇનલમાં પહોંચશે. જો માત્ર ભારત અને પાકિસ્તાન ટોપ-૨માં સ્થાન મેળવે તો બંને ટીમો ફાઇનલમાં પણ સામસામે આવશે. આ રીતે બંને ટીમો ટૂર્નામેન્ટમાં ૩ વખત ટકરાશે. ગત એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨ મેચ રમાઈ હતી. એક ભારતે અને બીજો પાકિસ્તાને જીત્યો હતો.
ગયા વર્ષે ૨૦ ઓવરના ફોર્મેટમાં એશિયા કપ ઓગસ્ટ દરમિયાન UAEમાં રમાયો હતો. તેનું હોસ્ટિંગ શ્રીલંકાને સોંપવામાં આવ્યું હતું, પરંતુ શ્રીલંકામાં આર્થિક અને રાજકીય મુશ્કેલીઓના કારણે તેને યુએઈમાં ખસેડવામાં આવ્યું હતું. યજમાન ટીમ શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી.