પાકિસ્તાનમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ ગુરુવારે કુરાનનું અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિને જીવતો સળગાવી દીધો. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લાના મદયાન વિસ્તારમાં બની હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ હિંસામાં ૮ લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે મૃતકનું નામ મોહમ્મદ ઈસ્માઈલ છે, જે મદયાન ફરવા આવ્યો હતો. પોલીસે કહ્યું કે સ્થાનિક લોકોની ફરિયાદ પર પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ આ દરમિયાન કુરાનના કથિત અપમાનના સમાચાર આખા વિસ્તારમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, થોડી જ વારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને શંકાસ્પદ વ્યક્તિને પોતાની સાથે લઈ ગયા. આ દરમિયાન ટોળાએ સ્ટેશનમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે પહેલા ટોળાએ મોહમ્મદ ઈસ્માઈલને માર માર્યો અને તેનો વીડિયો બનાવ્યો. ટોળાએ તેને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તે અધમુવો ન થઈ ગયો. આ પછી ભીડમાંથી કેટલાક લોકો પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લાવ્યા અને ઈસ્માઈલ પર રેડીને તેને સળગાવી દીધો.
ઈસ્માઈલ બૂમો પાડતો રહ્યો કે તેણે કંઈ કર્યું નથી પણ ભીડે તેની વાત સાંભળી નહીં. જ્યાં સુધી તે મૃત્યુ ન પામ્યો ત્યાં સુધી ભીડ નીકળી ન હતી. આ પછી ભીડે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તે વાયરલ થયો. હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.