પાકિસ્તાનમાં શ્રીલંકા કરતા પણ વધારે મોંઘવારી, ખાવાની વસ્તુઓના ભાવ એક વર્ષમાં ૫૦ ટકા વધ્યા

નવીદિલ્હી,જરૂર પડે તો ભારતમાં ઘુસીને જંગ લડવાના શેખચલ્લી જેવા સપના જોનારા પાકિસ્તાને હવે મોંઘવારીના મોરચે આખી દુનિયામાં શરમજનક રેકોર્ડ સ્થાપ્યો છે. એપ્રિલ મહિનામાં પાકિસ્તાનમાં ૩૬. ૪૨ ટકા મોંઘવારી નોંધાઈ છે. લોન મેળવવા માટે પાકિસ્તાને આઈએમએફના કહેવા પ્રમાણે શરતો લાગુ કરી છે અને તેમાં નવા ટે્ક્સ રેટ તથા ડિઝલની કિંમતમાં વધારાનો સમાવેશ થાય છે. જેની અસર મોંઘવારી પર દેખાઈ રહી છે.

પાકિસ્તાન હવે શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયુ છે. પાકિસ્તાનમાં મોંઘવારીમાં એક જ મહિનામાં ૨.૪૧ ટકાનો વધારો થયો છે. રાજકીય અસ્થિરતા અને નાણાકીય ગેરવહીવટના કારણે પાકિસ્તાનની ઈકોનોમી હવે ડુબવાના આરે છે. ૨૦૨૨માં આવેલા પૂરે સ્થિતિ વધારે ખરાબ કરી છે. ખાવાની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો ગરીબ વર્ગની મુશ્કેલી વધારી રહ્યો છે.

એપ્રિલ મહિનામાં ખાવાની વસ્તુઓની કિંમત ગયા વર્ષના મુકાબલે પચાસ ટકા વધી ચુકી છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ૫૭ ટકાનો વધારો થયો છે. પાકિસ્તાન સરકારે આઈએમએફ પાસે ૬. ૫ અબજ ડોલરની લોન લેવા માટે જે પણ સુધારા વધારા કર્યા છે તેના કારણે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે પણ એ પછી પણ આઈએમએફને પાકિસ્તાની સરકારથી સંતોષ નથી. આઈએમએફે પાકિસ્તાનમાં અપાતી સબસિડીમાં કાપ મુકવા માટે કહ્યુ છે. જોકે આગામી સમયમાં આવનારી ચૂંટણીને જોતા સરકાર હવે આ શરતો પર અમલ કરે તેવી શક્યતા દેખાઈ રહી નથી.

પાકિસ્તાનની સરકાર જાણે છે કે, ઓકટોબરમાં યોજાનારી ચૂંટણી પહેલા જો આર્થિક સુધારા લાગુ કર્યા તો જનતાની નારાજગી સહન રકવાનો વારો આવશે.