પાકિસ્તાનમાં ’સબ ઠીક’, વિરોધીઓ માત્ર અફવા ફેલાવી રહ્યા છે: નાણા મંત્રી ઈશાક ડારનો દાવો

ઈસ્લામાબાદ,

પાકિસ્તાનમાં આર્થિક હાલત ધીમે-ધીમે વધુ ખરાબ થતી જઈ રહી છે. સરકાર પાસે વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત છે. મોંઘવારી ખૂબ જ વધી જવાથી સામાન્ય લોકો માટે બે સમયના ભોજનની પણ મુશ્કેલી છે. કેટલાય પરિવારોને ભૂખ્યા સૂવુ પડી રહ્યુ છે.

આ દરમિયાન પાકિસ્તાનના નાણા મંત્રીએ દાવો કરતા કહ્યુ છે કે તેમના દેશમાં બધુ જ સરસ છે અને કંગાળી અંગે માત્ર અફવા ફેલાવાઈ રહી છે. પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારનું કહેવુ છે કે કંગાળી અંગે વિરોધીઓ દુર્ભાવનાપૂર્ણ અફવાઓ ફેલાવી રહ્યા છે, જે એકદમ ખોટી છે.

નાણા મંત્રી ઈશાક ડારનો દાવો છે કે પાકિસ્તાન ડિફોલ્ટ કરી રહ્યુ નથી. પાકિસ્તાન વિરોધી તત્વ દુર્ભાવનાપૂર્ણ અફવાઓ ફેલાવી રહ્યા છે કે પાકિસ્તાન ડિફોલ્ટ થઈ શકે છે. એસબીપી વિદેશી મુદ્રા ભંડાર વધી રહ્યો છે. સમયસર બધી જ બાહરી ચૂકવણી કરવા છતાં ચાર સપ્તાહ પહેલાની તુલનામાં લગભગ ૧ બિલિયન ડોલર વધારે છે.

પાકિસ્તાનના નાણા મંત્રીએ દાવો કર્યો કે વિદેશી કૉમર્શિયલ બેન્કોએ પાકિસ્તાનમાં સુવિધાઓ આપવાનું શરૂ કરી દીધુ છે. તેમણે કહ્યુ કે આઈએમએફના સાથે અમારી વાતચીત પૂરી થવાની છે અને અમે આગામી અઠવાડિયા સુધી આઇએમએફ સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની આશા કરીએ છીએ. તમામ આર્થિક સંકેતક ધીમે-ધીમે યોગ્ય દિશામાં જઈ રહ્યા છે.

પાકિસ્તાની નાણા મંત્રીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ગુરૂવારે ઈન્ટર બેન્ક માર્કેટમાં પાકિસ્તાની રૂપિયામાં ડોલરની સરખામણીએ ૧૮.૭૪ રૂપિયાનો મોટો ઘટાડો આવ્યો છે. પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યુ છે. રોકડની તંગી ધરાવતા દેશના લોકો ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલથી લઈને શાકભાજી, દૂધ, ઈંડા, માંસની કિંમતોમાં મોટો વધારો થયો છે.

ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનમાં અત્યાર સુધીની સૌથી વધારે મોંઘવારી નોંધવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ૨૭.૬ ટકાની તુલનામાં પાકિસ્તાનનો ફુગાવો વધીને ૩૧.૫૫ ટકા થઈ ગયો. ફેબ્રુઆરી ૨૦૨૨માં મોંઘવારી દર ૧૨.૨ ટકા હતો.