ઇસ્લામાબાદ,પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ઘરમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હતો. વડાપ્રધાનના આવાસ પર તહેનાત સુરક્ષાકર્મીઓને ફહર નથી કે તે શંકાસ્પદ વ્યક્તિ ક્યાંથી ઘુસ્યો હતો. જો કે, તાત્કાલિક કાર્યવાહી કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને પૂછપરછ માટે કાઉન્ટર ટેરરિઝમ વિભાગને સોંપવામાં આવ્યો છે.
ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું- શંકાસ્પદ અફઘાની વ્યક્તિ ત્રણ અલગ-અલગ રસ્તેથી પીએમ હાઉસ પહોંચ્યો હતો. હાલમાં, અમને ખબર નથી કે તે જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તે કેવી રીતે ઘુસવામાં સફળ થયો. પરંતુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાની મીડિયા ’ડોન’ અનુસાર, ઈસ્લામાબાદ પોલીસના પ્રવક્તા જવ્વાદ તકીએ કહ્યું- વ્યક્તિ પાસે કોઈ ઓળખ પત્ર નથી. અમે ધરપકડ સમયે તેની પાસે ઓળખ પત્ર માંગ્યું હતું, જે તે બતાવી શક્યો નહોતો. વડાપ્રધાનના આવાસની દિવાલ પાસે તેમની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ શંકાસ્પદની પૂછપરછ કરી રહી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું- સીસીટીવી ફૂટેજમાં તે વ્યક્તિ પાકિસ્તાન સચિવાલયના બ્લોક છ, બી સી અને ડીની બહાર મુખ્ય રસ્તા પર ચાલતો જતો જોવામાં આવ્યો હતો.