પાકિસ્તાનમાં પણ વરસાદે તબાહી મચાવી દીધી છે. ડેરા ઈસ્માઈલ ખાનના ટાંક જિલ્લાના કોટ-મુર્તઝા વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક ઘરની છત તૂટી પડતા ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મહિલા અને તેના બે બાળકોના મોત થયા હતા. દરમિયાન, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બલૂચિસ્તાન અને દક્ષિણ પંજાબના કેટલાક જિલ્લાઓમાં સંભવિત પૂરની ચેતવણી જારી કરી છે.
અહેવાલ અનુસાર, મૃતકોની ઓળખ રહેમાનની પત્ની અસમા બીબી, તેની પુત્રી સાદિયા બીબી અને પુત્ર વહીદ ઉલ્લાહ તરીકે થઈ છે. ઘાયલોમાં રહેમાન અને તેના ત્રણ પુત્રો નસીબ ઉલ્લાહ, ઈરફાન અને અસમત ઉલ્લાહનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ટેક્ધ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિના કારણે ટાંક-દક્ષિણ વજીરિસ્તાન રોડને પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પૂરની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
પાકિસ્તાનના હવામાન વિભાગે કરાચીમાં ૪ થી ૭ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કરાચીના મોટા ભાગના ભાગોમાં ૪૦ થી ૬૦ મીમી વચ્ચે વરસાદ પડી શકે છે. દક્ષિણ પંજાબના ડેરા ગાઝી ખાન અને રાજનપુર જિલ્લાના લોકોને ભારે પૂર માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. બલૂચિસ્તાનના ઝોબ, સિબી, નસીરાબાદ અને કલાત જિલ્લામાં મયમથી ઉચ્ચ સ્તરના પૂરની અપેક્ષા છે.
સિંધના લરકાના, દાદુ, જામશોરો અને હૈદરાબાદ જિલ્લામાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. કાબુલ નદીને અડીને આવેલા વિસ્તારોમાં પૂરનો ભય છે. તમને જણાવી દઈએ કે કોહ-એ-સુલેમાનમાં વરસાદને કારણે ઘણા ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રોઝાનમાં ૧૦૦થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રાજનપુરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે ૨૦૦થી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે.